હિંમતનગર, તા.૨૮
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોક ડાઉન સમય દરમિયાન લોકો ઘરમાં રહે અને સુરક્ષિત રહે, તે હેતુથી મનોરંજન અને ફીટનેશ પ્રતિયોગીતા બનાવી છે. ૨૧ દિવસ સમયગાળામાં લોકો ઘરે બેઠાં મનોરંજન મળી રહે અને લોકો ઘરની બહાન ન નિકળે તે માટે બાળકો તેમજ યુવાનો,મહિલાઓ માટે “હું કોરોના કિલર છું” નામની પ્રતિયોગીતા બનાવી છે.
આ સ્પર્ધા વિશે જિલ્લા પોલિસ વડાશ્રી માંડલીકે જણાવ્યું કે, ૨૧ દિવસ દરમિયાન લોકો પોતાના પરીવાર સાથે ઘરે બેઠા મનોરંજન મેળવે સાથે સુરક્ષિત રહે તે માટે આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રતિયોગીતામાં દરેક ઉંમરના લોકો બાળકો, યુવા અને વડિલ તમામ પોતાનામાં રહેલી આવડત-હોંશિયારીનો બે- ત્રણ મિનિટનો વિડીયો બનાવી વોટ્‌સ એપ નંબર ૬૩૫૯૬૨૬૮૯૧ ઉપર મોકલી આપવાનો છે. હેન્ડીક્રાફ્ટ, હેલ્પીંગ હેન્ડ, ,કિંગ અને ક્વિન કુકિંગ, નૃત્ય, ગાયિકી જેવી સ્પર્ધાઓ બાળકો માટે કોરોના જાગૃતિ માટેની ચિત્રસ્પર્ધા સાથે યોગ ચેલેન્જ અને ફિટનેશ ચેલેન્જના રોજના વિડિયો બનાવી પોતાના વોટ્‌સએપ પરથી નામ-સરનામા સાથે મૂકવાના રહેશે.
આ પ્રતિયોગિતામાં ત્રણ પુરૂષ તથા ત્રણ મહિલા વિજેતાને પુરસ્કાર આપવામાં આવશે. કોઈપણ કર્મચારી કે વ્યાપારિક, વિદ્યાર્થી સ્ત્રી પુરુષ અને બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ સ્પર્ધામાં ભાગ લઇ કોરોના સામેની લડાઈમાં વહિવટી તંત્રને સહકાર આપો ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ઇનામ જીતો. એવી અપીલ જિલ્લા પોલીસ વડાએ જનતાને કરી હતી.