અમદાવાદ, તા.૧૨
રાજ્યસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો ભાજપ પ્રયત્ન કરતુ હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે આક્ષેપ કર્યો છે કે, ગતરાતથી ભાજપે તોડફોડ કરવાના પ્રયત્નો કર્યા છે. ભાજપ ૧૦૦ ટકા ધારાસભ્યો તોડવાનો પ્રયત્ન કરી રહી હોવાનો આક્ષેપ પણ શૈલેષ પરમારે લગાવી કહ્યું કે, ભાજપ કોંગી ધારાસભ્યોને સત્તાલાલચ અને લોભ આપે છે. પરંતુ કોઈપણ હાલતમાં કોંગી ધારાસભ્યો ભાજપમાં નહી જાય. તેમણે કહ્યું કે હું જ્યોતિરાદિત્ય સિંધિયા નથી કે પોતાની મા મુકીને સાવકી માને ધાવવા જાય. ભાજપ ગતરાતે અને આજે સવારે પણ ધારાસભ્યોને તોડવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તોડતા હોવાનો આરોપ લાગ્યો છે. જેમાં કોંગી ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે તેમને પણ આડકતરી રીતે ઓફર થઈ હતી. પરંતુ જો અમારા ધારાસભ્ય તૂટશે તો ભાજપે પરિણામ ભોગવવું પડશે.