ચૂંટણીઓમાં વડાપ્રધાનના ફોટાની મારી પાર્ટીને જરૂર નથી કારણ કે તેઓ મારા દિલમાં વસે છે, જે રીતે રામ માટે હનુમાનની શ્રદ્ધા છે તેવી જ રીતે મારી શ્રદ્ધા મોદીમાં છે, તેમના ફોટાની જરૂર નીતિશકુમારને પડી શકે છે : ચિરાગ પાસવાન
બિહાર ચૂંટણી ટાણે ચિરાગ પાસવાન ભ્રમની સ્થિતિ ઊભી કરી રહ્યા છે, તે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, એલજેપી અમારા ગઠબંધનમાં સામેલ નથી, તે વોટ કાપનારી પાર્ટી બનીને રહેશે : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જ શાસક ગઠબંધન એનડીએમાં ડખાં પડ્યા છે. એક તરફ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું છે કે, તેઓ ભાજપ અને મોદીની સાથે છે પરંતુ નીતિશ કુમાર સાથે નથી. તેમણે વધુમાં કહ્યું છે કે, તેઓ મોદીના હનુમાન છે અને તેઓના દિલમાં પીએમ મોદી છે. ત્યારે પ્રચારમાં તેમના ફોટાનો ઉપયોગ થાય કે ના થાય તેનાથી કોઇ ફેર પડતો નથી. બીજી તરફ ભાજપના કેન્દ્રીય મોવડી મંડળે બિહારમાં એનડીએમાં તડાં પાડવા માટે એલજેપીના ચિરાગ પાસવાનને જવાબદાર ગણાવતા સ્પષ્ટતા કરી દીધી છે કે, આ વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટી એનડીએમાં સામેલ નથી અને અમારા ગઠબંધનમાં ભાજપ, જેડીયુ, હમ સહિતની પાર્ટીઓ જ છે. તેમણે એલજેપીને પીએમ મોદી તથા અમિત શાહના ફોટાનો પ્રચારમાં ઉપયોગ નહીં કરવાની પણ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે. એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું હતું કે, તેમને ભાજપના નેતાઓ દ્વારા કરાતી ટીપ્પણીઓથી દુઃખ થયું છે પરંતુ હજુ પણ તેઓ ભાજપની સાથે જ છે અને બિહારમાં ભાજપ-એલજેપીની સરકાર બને તેવી ઇચ્છા ધરાવે છે. વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચારમાં ફોટાનો ઉપયોગ અંગે તેમણે કહ્યું કે, પીએમ તેમના દિલમાં વસે છે તેથી તેમના ફોટાનો ઉપયોગ થાય કે ના થાય તેનાથી કોઇ ફેર પડતો નથી. આ ક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન પર આકરા પ્રહાર કરતાની સાથો સાથ સાનમાં સમજાવી દીધું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા પ્રકાશ જાવડેકરે ચિરાગ પાસવાનને સ્પષ્ટ કહ્યું હતું કે, તે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભ્રમની સ્થિતિ ઉભી કરી રહ્યાં છે. તેમની ટિપ્પણી ભ્રામક છે, આમ કરવાથી તેમને કોઈ જ લાભ થશે નહીં.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એલજેપી માટે તદ્દન વિચિત્ર સ્થિતિ ઉભી થઈ છે. એલજેપી એનડીએમાં હોવા છતાંયે ભાજપ તેની સાથે અંતર રાખી રહ્યું છે અને જેડીયુ સાથે ઘનિષ્ટ સંબંધો બની રહ્યાં છે. આજે ભાજપે ફરી એકવાર સ્પષ્ટ કર્યુ હતું કે, એલજેપી બિહારમાં ભાજપના ટોચના નેતૃત્વનું નામ લઈને મતદાતાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ મામલે કહ્યું હતું કે, એલજેપી બિહારની ચૂંટણીમાં કોઈ અસરકારકતા દાખવી નહીં શકે. એલજેપી બિહારની ચૂંટણીમાં માત્ર એક વોટકટવા પાર્ટી બનીને રહી જશે. જાવડેકરે સ્પષ્ટ કરી દીધું હતું કે, બિહારમાં માત્ર પાંચ જ પાર્ટીઓ (ભાજપ, જેડીયૂ, હમ અને વીઆઈપી) જ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ચિરાગ પાસવાને બિહારમાં અલગ માર્ગ અપનાવ્યો છે. તે ભાજપના વરિષ્ઠ નેતાઓના નામે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જાવડેકરે કહ્યું હતું કે, અમારી કોઈ બી કે સી ટીમ નથી. એનડીએને બિહારની ચૂંટણીમાં એક-તૃતિયાંશ બહુમત મળશે અને ચિરાગ પાસવાનની પાર્ટી વોટકટવા પાર્ટી તરીકે સામે આવશે. ચિરાગ પાસવાન પર આકરા પ્રહારો કરતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, એલજેપીના અનેક નેતાઓ ખોટી ભ્રમણા ફેલાવી રહ્યાં છે.
Recent Comments