(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૩
દેશની સરહદ પર દૂર્ગમ વિસ્તારોમાં વિકટ પરિસ્થિતીઓમાં પણ ફરજ બજાવી દેશની રક્ષા કર્યા બાદ ભારતીય લશ્કરમાંથી નિવૃત્ત થઈને આણંદ તાલુકાનાં વલાસણ ગામનો યુવક આજે માદરે વતન પરત ફરતા આણંદ રેલવે સ્ટેશન પર નિવૃત્ત આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેલી સ્વરૂપે યુવાનને વલાસણ ગામે લઈ જવાતા જયાં ગ્રામજનો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરી દેશની રક્ષા માટે પોતાની યુવાનીનાં ૨૦ વર્ષનું બલિદાન આપનાર નિવૃત્ત જવાન આસીફ કાઝીની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
ભારતીય લશ્કરનાં નિયમો અનુસાર વયમર્યાદાને લઈને હું સેવા નિવૃત્ત થયો છું પરંતુ દેશ માટે લડવાનો ઝઝબો નિવૃત્ત થયો નથી, મારા દેશ માટે જ્યારે પણ જરુર પડશે, ત્યારે માત્ર એક અવાજ સાંભળતા જ હું દેશની સરહદ પર મારા દેશનાં દુશ્મનોને ધુળ ચાટતા કરી દેવા પહોંચી જઈશ અને જરુર પડશે તો મારા દેશ માટે મારા પ્રાણ ન્યોચ્છાવર કરવા પાછી પાની કરીશ નહી, મારા લોહીનાં કણેકણમાં મારા દેશની રક્ષા માટેનો ઝઝબો ઉછાળા મારી રહ્યો છે, ભારતીય લશ્કરમાં ૨૦ વર્ષ સુધી ફરજ બજાવી સેવા નિવૃત્ત થઈ આજે માદરે વતન આણંદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચેલા નિવૃત્ત જવાન આસિફ સમસુદ્દીન કાઝીએ ઉપરોકત શબ્દો ઉચ્ચાર્યા હતા.
વીસ વર્ષ સુધીની પોતાની ફરજ દરમિયાન તેઓ દ્વારા જમ્મુ કાશ્મીરનાં બારામુલ્લા, કુપવાડા, પટ્ટન જેવા સંવેદનશીલ આતંકી વિસ્તારોમાં પણ ફરજ બજાવી છે, તેમજ ભારત પાકિસ્તાન વચ્ચેની અમન બસ સેવામાં પણ તેઓએ ફરજ બજાવી હતી, પોતાની ફરજ દરમિયાન તેઓએ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાનાં માર્ગમાં દુર્ગમ વિસ્તારમાં અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે પણ ફરજ બજાવી છે.
આસીફ કાઝીનું આણંદનાં મુસ્લિમ યુવા શકિતનાં અધ્યક્ષ ઈલ્યાસ આઝાદ, યુથ પાવર યુનીટીનાં પ્રમુખ આસિમ ખેડાવાળા, અલઃખૈર ગૃપનાં પ્રમુખ મોઈન મહેતાજી સહિત વલાસણ ગામનાં હિંદુ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત બાદ ડીજે સાથે ખુલ્લી જીપમાં આસીફ કાઝીની રેલી નિકળતા તેઓનું ઠેર ઠેર લોકોએ સ્વાગત કર્યું હતું.
આસીફ કાઝીએ જણાવ્યું હતું કે, આવનારી નવી પેઢી ભારતીય આર્મીમાં જોડાય તેઓમાં દેશની રક્ષા માટેનો જોશ પેદા થાય તે માટે પ્રયાસો કરવા પડશે.