(એજન્સી) તા.ર૮
ઈઝરાયેલની સંસદના પૂર્વ અધ્યક્ષ અબ્રાહમ બર્ગે ઈઝરાયેલને કહ્યું છે કે તેઓએ હવેથી અબ્રાહમને યહુદી ન માનવો જોઈએ. ફ્રેન્ચ વેબસાઈટ મીડિયા પાર્ટને આપેલા ઈન્ટરવ્યુમાં અબ્રાહમ બર્ગે કહ્યું કે તેઓ હવે પોતાને યહુદી માનતા નથી. તેથી તેમણે ઈઝરાયેલી ગૃહ મંત્રાલયના રજિસ્ટરમાંથી યહુદી તરીકે પોતાનું નામ હટાવવાની માંગ કરી છે. અબ્રાહમ બર્ગ લગભગ ચાલીસ વર્ષથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને વિભિન્ન સરકારોમાં ત્રણ વખત મંત્રી તરીકે રહી ચૂક્યા છે. અબ્રાહમે પોતાના પુસ્તક ‘વિકટરી ઓવર હિટલર’માં લખ્યું છે કે તેઓ પોતાને ઝાયોની ઓળખથી અલગ કરવા જઈ રહ્યા છે. તેમના અનુસાર ઈઝરાયેલની જે માન્યતા છે કે તે યહુદી સરકાર છે, તેના વિનાશની ચાવી છે. અબ્રાહમ બર્ગે ઈઝરાયેલીઓ વચ્ચે ઝડપથી ફેલાતા જાતિવાદની નિંદા કરી. વર્ષ ર૦૦૩માં યીડીઓટ આહરોનોટ સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં તેમણે લખ્યું હતું કે ઝાયોનિસ્ટ ક્રાંતિનું મોત થઈ ચૂક્યું છે. તેમનું એમ પણ કહેવું છે કે ઈઝરાયેલની સ્થાપનાની સાથે તરત જ ઝાયોનિઝમનો અંત લાવી દેવો જોઈતો હતો. આજના સમયે જેને ઈઝરાયેલ કહેવાય છે તે યહુદીઓનું બ્લેક માર્કેટિંગ જેવું છે. બર્ગનો અંતરઆત્મા (વિવેકબુદ્ધિ) કહે છે કે યહુદી સમુદાય સાથેના મારા સંબંધોને મારે સંપૂર્ણપણે ખતમ કરી લેવો જોઈએ. બર્ગે કહ્યું મને મારી જૂની કહેલી વાત યાદ આવે છે જે મેં વડાપ્રધાન અને તેના સહયોગીઓને કરી હતી કે જો તમારે ગ્રેટર ઈઝરાયેલની સમગ્ર જમીન પર કબજો કરવો હોય તો તમારે લોકશાહીને ભૂલી જવું પડશે. બર્ગનો કિસ્સો પ્રકાશમાં આવ્યા પછી ઘણા બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે કે હાલની પરિસ્થિતિથી કંટાળીને તેઓ કઈ રીતે ઈઝરાયેલ અને યહુદીવાદ છોડવા મજબૂર થઈ ગયા.