(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૫
વકીલોની એક ખ્યાતનામ સંસ્થા ઓલ ઇન્ડિયા લોયર્સ કાઉન્સિલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરી છે કે એમણે હેબિયસ કોર્પસની ગંભીરતા ધરાવતી અરજીઓ, જામીન અરજીઓ અને અંગત સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવતા કેસો પ્રાથમિકતાના આધારે સૂચિબદ્ધ કરવા જોઈએ. એમણે સુપ્રીમ કોર્ટને એ પણ વિનંતી કરી છે કે, કોર્ટે યુપી સરકાર દ્વારા એક ખાસ ધર્મની કોમને લક્ષ્યાંક બનાવવા માટે જાહેર કરાયેલ ધર્માંતરણના વટહુકમની વૈધાનિક માન્યતા નિર્ણિત કરવા સુઓમોટો પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. સંગઠનની રવિવારે મળેલ મીટીંગમાં ઘણા બધા મુદ્દાઓ જેમાં અંગત સ્વતંત્રતા, કૃષિ કાયદાઓ, યુએપીએ કાયદાનો દુરૂપયોગ અને યુપીની ભાજપ સરકાર દ્વારા ધર્માંતર વટહુકમ જેવા મુદ્દાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી એમના સંદર્ભે ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. એક ઠરાવમાં સંગઠને સી.જે.આઈ.ને અટકાયતમાં રહેલ નાગરિકોની અંગત સ્વતંત્રતા તરફ ધ્યાન આપવા વિનંતી કરી હતી. એમણે નોંધ્યું કે મૂળભૂત અધિકારો સૌથી ઉચ્ચ છે. જેમની રખેવાળ સુપ્રીમ કોર્ટ છે એમનો ભંગ ના થવો જોઈએ. અમોએ નોંધ્યું છે કે ઘણા બધા પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓના મૂળભૂત અધિકારોના ભંગ થાય એ રીતે રાજકીય પ્રેરણાથી એમની સામે યુએપીએ હેઠળ કેસો નોંધાયા છે અને એમના કેસોની સુનાવણીને પ્રાથમિકતા આપવામાં આવતી નથી અને બીજી બાજુ આ જ પ્રકારના અમુક કેસોને સાંભળી ચુકાદાઓ પણ આપી દેવામાં આવ્યા છે જેથી સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતાને પણ અસર થાય છે. બીજા ઠરાવમાં ભૌતિક સુનાવણી શરૂ કરવા માંગણી કરાઈ હતી. ખેડૂત આંદોલનની નોંધ લઇ એમણે નાગરિકોને ખેડૂતોને સમર્થન આપવા ઠરાવ પસાર કર્યો. યુપીની ભાજપ સરકાર દ્વારા બહાર પડાયેલ ધર્માન્તર વટહુકમ અંગે સુપ્રીમ કોર્ટને સુઓમોટો સુનાવણી હાથ ધરવા વિનંતી કરતો ઠરાવ પસાર કરાયો હતો. ઠરાવમાં જણાવ્યું હતું કે સંસદે આંતરજાતીય અને આંતર ધર્મી લગ્નોને પ્રોત્સાહન આપવા સ્પેશિયલ મેરેજ એક્ટ પસાર કર્યો હતો. પણ યુપી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વટહુકમ આ કાયદાનો જ વિરોધ કરે છે અને કાયદાને અર્થહીન બનાવે છે અને આ વટહુકમ બંધારણના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. આ મીટીંગની અધ્યક્ષતા ઉપાધ્યક્ષ વકીલ સેવ્વીલમ પરીથી આરે કરી હતી અને સંચાલન સેક્રેટેરી જનરલ વકીલ શરફૂદ્દીન અહમદે કર્યું હતું.