વલસાડ, તા.ર૬
હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રમુખ યુસુફ ઘાંચી, નાસીર પાનવાલા, સુહેલ શેખ, અબદુલઅઝીઝ શેખ, સલમાન ચૌહાણ, અસ્લમ મેતર, આરીફખાન, જીલુબેન મન્સુરી, આસીફ ઘાંચી સહિત અગ્રણીઓ દ્વારા જે રેશનકાર્ડમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને અનાજ મળતું હતું તે છેલ્લા બે ચાર વર્ષોથી બંધ કરવામાં આવ્યું છે. તે રેશનકાર્ડોમાં અનાજ ચાલુ કરાવવા માટે વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ તથા વાપી શહેર મામલતદાર પ્રશાંત પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાપી શહેરમાં ગરીબ કામદાર વર્ગ, નોકરીયાત વર્ગ તથા દરરોજ મજૂરીકામ કરનાર હજારો પરિવાર પોતાના પરિવાર સાથે રહે છે અને રેશનકાર્ડમાં અનાજ બંધ કરવામાં આવતા ગરીબ પરિવારોને અનાજ ન મળવાથી આ બેરોજગાર તથા લોકડાઉનનાં સમયે તથા હાલમાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. ટ્રસ્ટના અગ્રણીઓની રેશનકાર્ડમાં અનાજ વિતરણની રજૂઆતને વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા શાંતિપૂર્વક સાંભળીને અગ્રણીઓને ગરીબોનાં પરિવારને રેશનકાર્ડમાં અનાજ મળતું થાય તે માટેની કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તથા વાપી શહેર મામલતદાર પ્રશાંત પરમારે પણ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણીઓની રજૂઆત સાંભળી ને રેશનકાર્ડમાં ગરીબો માટે અનાજ વિતરણ વિશે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.