(એજન્સી) તા.૧૫
ભારતમાં બળાત્કાર એ મહિલાઓ વિરુદ્ધનો એક સર્વસામાન્ય અપરાધ છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના ડેટા અનુસાર ૨૦૧૮માં દરરોજ ૮૯ બળાત્કારની એવરેજ સાથે બળાત્કારની ૩૩૩૫૬ ઘટનાઓ નોંધાઇ હતી અને તેમાંથી દર ૪ બળાત્કાર પીડિતાએ એક સગીરાનો સમાવેશ થતો હતો.
તાજેતરની એક ઘટનામાં હૈદરાબાદના મારુથી અનાથગૃહમાં ૧૪ વર્ષની દલિત તરુણી પર અવાર નવાર બળાત્કાર થયો હતો અને ૧૦, ઓગસ્ટના રોજ નિલુફર હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ૫૪ વર્ષનો નરેદ્‌લા વેણુગોપાલ રેડ્ડીએ આ અનાથગૃહને દાન આપ્યું હતું અને અવારનવાર તેની મુલાકાત લેતો હતો અને છોકરીને તેની સાથે પાંચમાં માળે લઇ જતો હતો.
છોકરીએ તેના કાકીએ પૂછપરછ કર્યા બાદ કબૂલ્યું હતું કે વેણુગોપાલ તેને જ્યુસમાં ઘેનની દવા આપી દેતો હતો અને પછી શું થતું હતું તે તેને યાદ નથી. વારંવાર બળાત્કારનો ભોગ બનતાં તેની તબિયત લથડી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે આ અનાથગૃહમાં એક અન્ય છોકરી પણ બળાત્કારનો ભોગ બની હતી. આ ઘટના બાદ મહિલા અને બાળકલ્યાણ વિભાગે (સીડબલ્યુસી) મારુતી અનાથગૃહનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યુ હતું અને ૫૦ બાળકોને અન્ય ચાઇલ્ડ કેર ઇન્સ્ટીટ્યૂટમાં મોકલી દેવામાં આવ્યાં હતાં.
વિમેન એન્ડ ટ્રાન્સજેન્ડર જોઇન્ટ એક્શન કમિટી સાથે કામ કરતાં સામાજિક કાર્યકર સજાયા કાકાર્લાએ જણાવ્યું હતું કે આ ઘટનાના પગલે અમારી માગણી છે કે તમામ ચાઇલ્ડ કેર ઇન્સ્ટીટયૂટની યોગ્ય સામૂહિક તપાસ થવી જોઇએ. આ બળાત્કારની ઘટના એ સંપૂર્ણ નિષ્કાળજી અને સંસ્થાની નિષ્ફળતાનો કિસ્સો છે. એટલું જ નહીં હૈદરાબાદના આ અનાથગૃહમાં ૧૪ વર્ષની આ દલિત કિશોરીનો બળાત્કાર અને મૃત્યુ એ કલ્યાણકારી સંસ્થાઓની કાળી બાજુનો પ્રર્દાફાશ કરે છે.
આખરે આ ઘટનામાં પોલીસ દ્વારા કલમ-૩૭૬(૩), કલમ ૩૪૨, કલમ ૩૨૩, કલમ ૩૨૮ અને આઇપીસીની અન્ય કલમો ઉપરાંત પોસ્કો ૨૦૧૨ની કલમ હેઠળ વેણુગોપાલ, જયદીપ અને વિજય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.