(એજન્સી) હૈદરાબાદ, તા.૨૬
ઐતિહાસિક મક્કા મસ્જિદના દ્વાર નમાઝીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખતા લાંબા સમયથી બંધ મસ્જિદને શુક્રવારે નમાઝ માટે ખોલવામાં આવી. ખતીબ મક્કા મસ્જિદ હાફિઝ અને કારી મોહંમદ રિજાન કુરેશીએ ખુત્બો સંભળાવ્યો અને શુક્રવારની નમાઝ અદા કરાવી અને દેશ અને લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ કરી.
પોલીસ સુપ્રિનટેન્ડન્ટ મક્કા મસ્જિદ અબ્દુલ કાદિર સિદ્દીકીએ જણાવ્યું કે મુખ્ય ગેટ અલ-બાબુલ દખિલા સહિત મસ્જિદના તમામ ગેટ ખોલી દેવામાં આવ્યા છે. માર્ચ પછીથી કોરોનાના કારણે મસ્જિદમાં નમાઝીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. માત્ર મસ્જિદના ખતીબ અને કર્મચારી મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યાં હતા. લોકડાઉન ખૂલ્યા પછીથી સીમિત સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડાના કારણે શુક્રવારની નમાઝ અદા કરવા માટે સામાન્ય જનતા માટે મસ્જિદ ખોલવાની પરવાનગી આપવામાં આવી.