(એજન્સી) તા.૨૨
હૈદરાબાદની બોક્સિંગ એકેડેમીની સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થિની ગણાતી અમીનાએ (નામ બદલેલ છે) હવે નક્કી કર્યુ છે કે કમસેકમ દિવસમાં ત્રણ કલાક બોક્સિંગની તાલીમ લેવી. આ બુરખાધારી મહિલાએ પોશાક સાથે જે અયોગ્ય રીતે દમનકારી બાબત પ્રવર્તે છે તેને ફગાવી દેવાનો નિર્ણય કર્યો છે. અમીનાની ઉમર ૩૯ વર્ષની છે અને બોક્સિંગ સ્કૂલમાં ૧૫ જેટલી મહિલાઓમાંની તે અગ્રેસર વિદ્યાર્થીની છે.
આ બોક્સિંગ સ્કૂલમાં ૩૫થી ૫૦ વર્ષની વય જૂથની બુરખાધારી મહિલાઓ બોક્સિંગની તાલીમ લેવા આવે છે. બીજી આશ્ચર્યની વાત એ છે કે અમીના અને તેમના ૧૫ વર્ષના પુત્ર ઉઝેર બંને સાથે કુસ્તીની તાલીમ લે છે. આ બંને બોક્સિંગ રીંગમાં એક બીજાને જોરદાર ટક્કર આપે છે એવું તેમના કોચ શેખ એઝાઝ અહેમદે જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે સુવર્ણચંદ્રક વિજેતા એઝાઝ અહેમદે ગોલકોંડાના ઓવૈસી પ્લે ગ્રાઉન્ડ ખાતે ૨૦૦૨માં ગોલકોંડા બોક્સિંગ એકેડેમીની સ્થાપના કરી હતી અને તે બધાને વિનામૂલ્યે કોચિંગ આપે છે. એઝાઝે જણાવ્યું હતું કે મારૂં માનવું છે કે મહિલાઓએ બોક્સિંગની ખાસ તાલીમ લેવી જોઇએ કારણકે બોક્સિંગ એ સ્વબચાવ માટે સર્વશ્રેષ્ઠ છે.વધુને વધુ મહિલાઓ હવે મારી અકાદમીમાં બોક્સિંગ શીખવા આવી રહી છે તે જોઇને મને ખૂબ આનંદ થાય છે. અત્યારે આ બોક્સિંગ એકેડેમીમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ છે જેમાં બાળકો, યુવતીઓ અને પરિણીત મહિલાઓનો સમાવેશ થાય છે. ૩૫ વર્ષની નસિમા બેગમનું માનવું છે કે હિજાબના બહાને નવી વસ્તુ શીખવાનું ટાળી શકાય નહીં. ભલે અમે કદાચ કોઇ ટુર્નામેન્ટમાં ભાગ ન લઇએ પરંતુ બોક્સિંગ અમને સ્વસ્થ અને ચુસ્ત રાખે છે એવું ૪૧ વર્ષની નજમા સુલતાને જણાવ્યું હતું કે જેઓ પોતાની ૬ વર્ષની પૌત્રીને પણ બોક્સિંગની તાલીમ આપી રહ્યાં છે. ૧૩થી ૨૦ વર્ષની વયની યુવતીઓ છોકરાઓને જબરદસ્ત ટક્કર આપે છે. તેમાંની ઘણી યુવતીઓ બોક્સિંગને આગળ જતાં પોતાની કારકિર્દી બનાવવા કૃતનિશ્ચયી છે. આમાંની ૧૪ વર્ષની અફ્સા શાહ છે કે જેણે શરૂઆત કરી દીધી છે. અફ્સાએ નેશનલ અને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો છે અને ઇનામો પણ જીત્યા છે. ઘણીવાર આ યુવતીઓ મને પણ જબરદસ્ત ટક્કર આપે છે એવું કોચ અહેમદે હસતા હસતા જણાવ્યું હતું. અહેમદના દાદા સુબેદાર મેજર શેખ અહમદે તેને આ પરંપરા જાળવી રાખવા પ્રેરણા આપી હતી. અહેમદ જણાવે છે કે મારા દાદા સમુદાયમાં આવો બદલાવ ઇચ્છતાં હતાં. તેઓ એક મહાન બોક્સર હતાં અને સેનામાં ફરજ બજાવતાં હતાં. મારા પિતા શેખ અબ્દુલ ગનીએ ૧૯૮૦માં સેનામાંથી નિવૃત્ત થયાં તે પહેલા રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમા ભાગ લીધો હતો. તેમણે ૧૯૯૦માં ગોલકોંડા બોક્સિંગ એસોસિએશનના સ્થાપના કરી હતી એવું કોચ અહેમદે જણાવ્યું હતું.
Recent Comments