(એજન્સી) હૈદરાબાદ,તા.૬
એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલનો એક દિવસનો રૂા.૧.૧પ લાખનું બિલ ન ચૂકવવા બદલ શનિવારે હોસ્પિટલે તેની અટકાયત કરી હતી. આ મહિલા ગવર્મેન્ટ ફિવર હોસ્પિટલ ખાતે ડોકટર છે, છ દિવસ પહેલા તેમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોવિડના દર્દી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ડો. સુલ્તાનાએ કહ્યું હતું કે, મારા લક્ષણો ગંભીર ન હોવાથી હું ઘરે જ મારો ઈલાજ કરી રહી હતી. ૧ જુલાઈના રોજ શ્વાસ લેવામાં થોડી તકલીફ થતા હું ચદેરઘાટ ખાતે આવેલી થુમ્બય હોસ્પિટલમાં દાખલ થઈ હતી. હું ફકત ૧ દિવસ માટે ત્યાં દાખલ થઈ હતી. ર જુલાઈના રોજ મને ડિપોઝીટ પેટે રૂા.૪૦,૦૦૦ આપવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ મને ૧.૧પ લાખનું બિલ આપવામાં આવ્યું જયારે મેં બિલ સામે પ્રશ્નો ઉઠાવ્યા અને ત્યાંથી રજા લેવાની ઈચ્છા દર્શાવી ત્યારે તેમણે મારી અટકાયત કરી. રવિવારે સવારે રૂા.૧.૩ લાખ રૂપિયાનું બિલ ચૂકવ્યા પછી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
મહિલાની અટકાયત કરવામાં આવી ન હતી : પોલીસ
ચદેરઘાટના પોલીસ ઈન્સ્પેકટર સતિષે કહ્યું હતું કે મહિલાની અટકાયત કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું હતું કે, અમે હોસ્પિટલની દરેક સીસીટીવી ફુટેજને ચકાસી હતી. આ અંગે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો ન હતો.
હોસ્પિટલે આક્ષેપો ફગાવ્યા
દર્દીએ કરેલા આક્ષેપોને ફગાવતા હોસ્પિટલે કહ્યું હતું કે શરૂઆતથી જ તે મહિલા ડોકટરોને સહયોગ આપી રહી ન હતી અને તેણે પોતાને વોર્ડમાં બંધ કરી દીધી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અબ્દુલ સલીમે કહ્યું હતું કે દર્દીને પહેલા જ હોસ્પિટલના વિવિધ ભાવો અંગે જાણકારી આપી દેવામાં આવી હતી.