હૈદરાબાદ, તા.ર૧
હૈદરાબાદ પહોંચતા જ ભારતનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પોતાના પિતાની કબર પર પહોંચ્યો અને તેમને યાદ કર્યા, જ્યારે સિરાજ આઈપીએલ માટે યુએઈ ગયો હતો, તે દરમિયાન તેના પિતાની તબિયત ખરાબ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આઈપીએલ સમાપ્ત થયા બાદ સિરાજ દુબઈથી ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થઈ ગયો હતો, ત્યાં પહોંચ્યાના થોડા દિવસ બાદ જ જાણવા મળ્યું કે, તેના પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી. બાયોબબલ અને કોરોના પ્રોટોકોલના કારણે સિરાજે મન મક્કમ કરી સ્વદેશ પરત ફરવાના બદલે ઓસ્ટ્રેલિયામાં રહેવાનો નિર્ણય કર્યો. જેના કારણે મો. સિરાજ પોતાના પિતાની દફનવિધિમાં સામેલ થઈ શકયો નહીં. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ૧૩ વિકેટ સાથે સૌથી વધારે વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી સીધો સિરાજ ખરીતાબાદના કબ્રસ્તાનમાં પોતાના પિતાની કબર પાસે જઈ દુઆ ગુજારી આ સમયે તે ભાવૂક બની ગયો હતો. સિરાજના ભાઈ ઈસ્માઈલે થોડા દિવસ પહેલાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેના પિતાનું સ્વપ્ન હતું કે, સિરાજ દેશ માટે ટેસ્ટ મેચોમાં રમે. તેઓ હંમેશા સિરાજને સફેદ ટી-શર્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરતો જોવા માંગતા હતા અને આજે જ્યારે તેઓ નથી, ત્યારે સિરાજે ડેબ્યુ કર્યું છે. સિરાજના પરિવારનું કહેવું છે કે, ભારત માટે ટેસ્ટ પદાર્પણ કરીને સિરાજે તેમને ગૌરવ અપાવ્યું છે.