(એજન્સી) હૈદરાબાદ,તા.૨૭
ભાજપના સાંસદ તેજસ્વી સુર્યા સામે પોલીસે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓના પ્રચાર માટે પરવાનગી વિના પ્રવેશ કરવાના લીધે કેસ નોંધ્યું છે. ઓસ્માનિયા યુનિવર્સિટીના રજીસ્ટ્રારે તેજસ્વી સુર્યા સામે ફોજદારી અનધિકૃત પ્રવેશની ફરિયાદ નોંધાવી છે. તેલંગાણા પોલીસ વડા મહેન્દ્ર રેડ્ડીએ જણાવ્યું હતું. તેજસ્વી સુર્યા ચૂંટણીઓ માટે જોશભેર પ્રચાર કરી રહ્યા છે. એ દરમિયાન એમણે ઓવૈસી સામે વિવાદિત ટિપ્પણીઓ પણ કરી હતી. એમણે મંગળવારે પોતાના સમર્થકો સાથે ઓસ્માનિયા યુનિ.ની મુલાકાત લીધી હતી. એમણે ગેટ ઉપર મુકાયેલ બેરીકેડ અને કાંટાળી તારો દૂર કરી હતી અને બળજબરીથી કેમ્પસમાં વિદ્યાર્થીઓને સંબોધન કરવા પ્રવેશ કર્યું હતું. તેજસ્વીએ કહ્યું કે અમે ઓસ્માનિયા યુનિ.માં તેલંગાણા ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. પણ કે.સી.આર.એ ગેટ બંધ કરી દીધા હતા. પોલીસે આ વાતનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે યુનિ.એ બેરીકેડ મૂક્યા હતા જેથી ફક્ત વિદ્યાર્થીઓ અને સ્ટાફ જ પ્રવેશ કરે.