(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
કોરોનાના સંક્રમણને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પરંતુ લોકડાઉન બાદ હોટલ-કાફેની સ્થિતિમાં ધીમેે-ધીમે સુધારો થઈ રહ્યો છે ત્યાં તો ફરીથી નાઈટ કરફ્યુએ ખાણી-પીણીના ઉદ્યોગને કમરતોડ ફટકો પડશે એવી આશંકા સેવતા હોટલ એસો.એ તંત્રને રજૂઆત કરી નાઈટ કરફ્યુના સમયમાં ફેરફાર કરવા માંગ કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં કરફ્યુનો સમય રાત્રે ૯ કલાકથી શરૂ થાય છે. જ્યારે હોટલ, બેન્કવેટ કે અન્ય રેસ્ટોરન્ટ રાત્રીના સમયે તો ખરેખર શરૂ થતા હોય છે. આ સંદર્ભે અમોને કરફ્યુનું પાલન કરવામાં ખૂબ જ નુકસાની વેઠવી પડે તેમ છે. તો આ સમય મર્યાદાને રાત્રે ૧૨થી સવારે ૯ સુધી કરવાથી ઉદ્યોગને રાહત મળે અને સરકારનો કરફ્યુનો હેતુ પણ જળવાઈ રહેશે.
જો કરફ્યુનો સમય સવારે ૬ને બદલે સવારે ૯ સુધીનો કરવામાં આવે તો અન્ય કોઈ પાયાની જરૂરિયાતોને અસર થાય એમ નથી. રાત્રીના સમયે સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતુ કાર્યરત હોતું નથી. કારણ કે સાંજે ૬ કલાક પછી મહાનગરપાલિકાનો સમય પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ પોલીસ ડીપાર્ટમેન્ટ લારી-ગલ્લા અને ફૂડ ટ્રક ચલાવનારા પર કાર્યવાહી કરતા હોય છે. આ બધી જગ્યાઓ પર રાત્રિ સમયે ભીડભાડ થાય છે. તેના કારણે હોટલ ઉદ્યોગ બદનામ થાય છે અને તેનું નુકસાન ભોગવવું પડે છે.
હોટલ ઉદ્યોગ સરકારને મોટો ટેક્સ આપનારો અને મોટા પ્રમાણમાં રોજગારી આપનાર ઉદ્યોગ છે. આ ઉદ્યોગ કોરોનાને કારણે સૌથી વધારે પ્રભાવિત થયો છે, તે જગજાહેર છે. જેથી આ ઉદ્યોગને વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે સરકાર રાહતો આપે તેવી માંગ કરવામાં આવી છે.