પાલેજ, તા.૬
કરજણ-શિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા રાજ્યસભાની ચૂંટણીના સમયે પક્ષમાંથી રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે હોહાપો મચી જવા પામ્યો છે એવામાં ધારાસભ્યએ પ્રેસ કોન્ફ્રાન્સ કરી પક્ષમાં પોતાની વાત ધ્યાને ના લેવાતી હોવાથી રાજીનામું આપવું પડ્યું હોવાનું રટણ કર્યું હતું.
આજ રોજ અક્ષય પટેલ દ્વારા પત્રકારો સામું આવી પોતે ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસ પક્ષના હોદેદારો દ્વારા વારંવાર તેઓની રજૂઆતની અવગણના કરવામાં આવી રહી હતી જેથી પક્ષના ધારાસભ્ય બની રહેવાનો કોઈ મતલબ રહેતો ના હતો, આ ઉપરાંત જિલ્લા પંચાયત વડોદરા બહુમત થી વિજય મેળવ્યા બાદ હાથમાંથી જતી રહેવી એ હોદેદારોની નિષ્ફળતા ગણાવી હતી.
ધારાસભ્ય અક્ષય પટેલ ઉપર કાર્યકરો દ્વારા ભાજપે દાબ દબાણથી રાજીનામુ આપવા મજબૂર કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા ખાણ ખનીજના વ્યવસાયમાં ગેરરીતી કરી હોવાનો લાભ ભાજપે મેળવી રાજીનામું આપવા મજબુર કર્યાના આક્ષેપોનું ખંડન કરી પોતે કોઈજ પ્રકારની ચોરી કરી ના હોવાનું જણાવી આક્ષેપ કરનારા વિરૂદ્ધ બદનક્ષીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.