(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૧૯
માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલયમાં ઊભા કરાયેલ હોમક્વોરન્ટાઈન સેન્ટર ખસેડવા પ્રશ્ને આંદોલન થાય છે, ત્યારે આજે તારીખ ૧૯નાં વધુ પાંચ બસમાં ૯૦ વિદેશીઓ લવાયા છે.
હાલમાં કોરોનાંની જે મહામારી ઊભી થવા પામી છે, જેને પગલે સુરત, જિલ્લા વહીવટીતંત્રે ભરૂચ, સુરત, તાપી, નવસારી વગેરે જિલ્લાના વિદેશથી આવતાં લોકો માટે ઉપરોક્ત છાત્રાલય ખાતે હોમક્વોરન્ટાઈન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.
આજે તારીખ ૧૯નાં રોજ વધુ પાંચ એસ.ટી. બસોમાં ૯૦ જેટલાં વિદેશીઓને ઉપરોક્ત કન્યાછાત્રાલય ખાતે હોમક્વોરન્ટાઇન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે, આ ૯૦ વિદેશીઓ સાથે કુલ ૧૨૩ વિદેશીઓ આ હોમક્વોરન્ટાઈન થયા છે, એક તરફ પ્રજાજનોનો વિરોધ છતાં બીજી તરફ આ સેન્ટર ખાતે વિદેશીઓને લાવવામાં આવી રહ્યાં છે.