અમદાવાદ, તા.૩૦
હોમિયોપેથી કોલેજનું ઇન્સ્પેક્શન કરીને તેને મંજૂરી અંગેનો નિર્ણય કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છતાં કેન્દ્ર સરકારે તેનું પાલન નહીં કરતા હાઇકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી હાઈકોર્ટે અરજદાર પર્લ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોમિયોપેથી મેડિકલ કોલેજ મા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે. આ પ્રવેશ તંત્રના ઇન્સ્પેક્શન આધીન રહેશે તેવું નોંધ્યું હતું. હાઇકોર્ટે સરકારની કડક ઝાટકણી કાઢતાં ચુકાદામાં નાખ્યું છે કે કોર્ટ ની કાર્યવાહી નો દુરુપયોગ થયાં નો આ એક ક્લાસિકલ કેસ છે. હાઈકોર્ટે ૨૦ સપ્ટેમ્બરના રોજ કોલેજનું ઇન્સ્પેક્શન કરીને નિર્ણય કરવા હુકમ કર્યો હતો, છતાય મંત્રાલય દ્વારા એવું જ રટણ કરાઇ રહ્યું હતું કે વર્ષ ૨૦૧૮-૧૯ માટે તેમને મંજૂરી આપી નથી એટલે ૨૦૧૯-૨૦ માટે તેમનું ઇન્ફેકશન થઇ શકે નહીં. આ પ્રકાર નું રટણ તે કોર્ટના આદેશનો અનાદર છે. પર્લ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રિટમાં એવી રજૂઆત કરાઈ હતી કે કોલેજને વર્ષ ૨૦૧૮-૧૯ માં નવી હોમીયોપેથી કોલેજ મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી અપાઈ ન હતી તેથી ટ્રસ્ટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી હતી, જેને પ્રતિવાદી ઓએ પડકારો ન હોવાથી કોલેજે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. વર્ષ ૨૦૧૯-૨૦ માટે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા મુજબ તેમણે તંત્ર સમક્ષ અરજી કરીને ઇન્સ્પેકશન કરવા જણાવ્યું હતું. ૩ મહિના થવા છતાં કોઈ જવાબ મળ્યો ન હોવાથી કોલેજ ટ્રસ્ટ તરફથી ફરીવાર હાઇકોર્ટમાં અરજી કરીને ૯મી એપ્રિલ ના રોજ કરવામાં આવેલી રજૂઆત અંગેનો નિર્ણય લેવા તંત્રને આદેશ કરવા દાદ માંગી હતી. કોર્ટે તંત્રને ૨ સપ્તાહમાં નિર્ણય લેવાનો આદેશ કરીને રિટનો નિકાલ કર્યો હતો. ત્યારબાદ તંત્રે કોલેજના ટ્રસ્ટને જાણ કરી હતી કે અગાઉ વર્ષ ૨૦૧૮-૧૯ માટે તેમને મંજૂરી અપાઈ ન હોવાથી ૨૦૧૯-૨૦માં તેમનું ઇન્સ્પેકશન કરાશે નહીં તેથી કોલેજ દ્વારા હાઇકોર્ટમાં ફરીથી રિટ કરી હતી જેમાં હાઇકોર્ટે ઉક્ત હુકમ કર્યો હતો.