(એજન્સી) તા.ર૯
રવિવારે જ હોલિવૂડની જાણીતી અભિનેત્રી એન્જેલિના જોલીએ જોર્ડન ખાતે શરણાર્થી કેમ્પની મુલાકાત લીધી હતી અને અહીં શરણાર્થી બાળકો સાથે મુલાકાત કરી હતી. તેમણે અહીં સીરિયામાં ચાલી રહેલા યુદ્ધનો રાજકીય ઉકેલ લાવવા પણ અપીલ કરી હતી અને કહ્યું હતુંં કે માનવીય સહાયતા પહોંચાડવી એ કોઇ લાંબા ગાળાનો ઉકેલ નથી. સીરિયાના યુદ્ધનો અંત લાવવો જ જોઇએ. ઝાતારી ખાતે આવેલા કેમ્પમાં જ્યારે એન્જેલિના જોલી આવી હતી ત્યારે તમામ શરણાર્થી બાળકો તેમને ઘેરી વળ્યા હતા. અહીં તેઓ કલાક સુધી રોકાયા હતા અને ત્યારબાદ સીરિયાની સરહદ થઇને નીકળી ગયા હતા. નોંધનીય છે કે એન્જેલિના જોલીની જોર્ડનની આ પાંચમી મુલાકાત હતી. એન્જેલિના જોલીએ અહીં શરણાર્થી પરિવારો અને યુએન દ્વારા સંચાલિત કાર્યક્રમ હેઠળ રહેતી એક કિશોરીની મુલાકાત લઇને કહ્યું હતુંં કે આ ખરેખર મારા માટે હૃદયસ્પર્શી છે કે હું જોર્ડનની મુલાકાતે ફરીવાર આવી છું. જોકે અહીં ચાલી રહેલ યુદ્ધ આઠમાં વર્ષમાં પ્રવેશી જતાં સીરિયાના શરણાર્થીઓની સમસ્યાઓને એક હદે માપી શકાય તેમ પણ નથી. મને ગર્વ છે. તમે લોકો ખરેખર ઘણા મજબૂત છો. તમે બધા જ. નોંધનીય છે કે યુએનની શરણાર્થીઓની એજન્સી માટે જોલી સ્પેશલ એન્વોયની ભૂમિકા ભજવે છે. નોંધનીય છેકે જોર્ડન, લેબેનોન તથા તમામ સીરિયન પાડોશી દેશોમાં લગભગ પ.પ મિલિયન સીરિયન શરણાર્થી બાળકો આશ્રય મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે જેવી રીતે આ દેશો બાળકોને સાચવી રહ્યાં છે અને શરણાર્થીઓનું ભારણ વહન કરી રહ્યાં છે તે ખરેખર વિશ્વ માટે એક શ્રેષ્ઠ એકતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે આ દુઃખદ વાત છે કે આવા બાળકોની મદદ કરવા માટે યુએનની એજન્સીએ જેટલી મદદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી તેનાથી અડધી પણ તેને ના મળી અને ચાલુ વર્ષે તો હજુ સુધી ફક્ત ૭ ટકા જેટલી જ મદદ તેને મળી છે. તો પછી તેના માટે આવા બાળકોની મદદ કરવી મુશ્કેલ થશે જ ને. જોલીએ કહ્યું કે કોઇપણ સમસ્યાનો લાંબા ગાળા માટે ઉકેલ લાવવા માટે માનવીય સહાયતા કરવી એ પૂરતી નથી. કોઇ તેમની મદદે આવવા માગતું નથી. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધનો રાજકીય ઉકેલ લાવવો પડશે. તેનાથી જ સીરિયાના શરણાર્થીઓ તેમના ઘરે પાછા ફરી શકશે. નોંધનીય છે કે હાલમાં જોર્ડનમાં સાડા છ લાખ જેટલા સીરિયન શરણાર્થીઓ છે જ્યારે ઝાતારીમાં જ ફક્ત ૭૮૦૦૦ જેટલા સીરિયન શરણાર્થીઓ વસવાટ કરી રહ્યાં છે.