અમદાવાદ, તા.ર૮
તહેવારો ટાળે લોકો ઘરે ભેટ માંગવા આવતા હોય છે. ત્યારે સતર્ક રહેવું જોઈએ. કેમ કે અમદાવાદમાં હોળીના નામે બે કિન્નર ઘરમાં ઘૂસીને લૂંટ કરીને પલાયન થઈ ગયા છે. વસ્ત્રાપુરના રેજન્સી ટાવરમાં રહેતા ૫૪ વર્ષીય કુંદનબહેન પટેલ તેમના દીકરા હર્ષ સાથે રહે છે. તેઓ ગઇકાલે ઘરે હાજર હતા. ત્યારે અચાનક તેમના ઘરનો બેલ રણક્યો હતો. ઘરનો દરવાજો ખોલીને જોતા માસીબા જેવા બે લોકો ઉભા હતા. તે બંને પાડોશીનાં ઘરે ઉભા રહીને પાણી પીતા હતા. ત્યારે આ માસીબાએ કુંદનબહેન પાસે હોળીનાં પૈસા માંગ્યા હતા. ત્યારે કુંદનબહેને તેમના દીકરાને પૂછ્યું હતું કે, માસીબાને કેટલા રૂપિયા આપવા છે, જેથી હર્ષભાઇએ ૨૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું. કુંદનબહેને તે રૂપિયા જાળીમાંથી જ આપ્યા હતા. ત્યારે માસીબાના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ વાતચીત શરૂ કરી હતી. ઘરમાં કોણ કોણ રહો છો, પાણી નહીં પીવડાવો તેમ કહી પાંણી માંગ્યું હતું એટલે તેમને જાળી ખોલી પાણી લેવા ગયા હતા. તેટલામાં જ આ કિન્નરનાં સ્વાંગમાં આવેલા બે લોકો ઘરમાં જઈને બેસી ગયા હતા અને પાણી પીને નીકળી ગયા હતા. બાદમાં હર્ષભાઇ બહાર આવ્યા તો તેમની માતાનાં ગળાનાં અને હાથમાં દાગીના નહોતા. જેથી તે બાબતે પૂછતાછ કરતા તેમને આ કિન્નરો પર શંકા ગઈ હતી. પાડોશી અને ગાર્ડને પૂછ્યું તો ગાર્ડે કહ્યું કે, બે માસીબા મારૂતિ ઝેન કારમાં આવ્યા હતા અને કારમાં અંગ્રેજીમાં ‘જય માતાજી’ અને ‘જીગર’ લખ્યું હતું. એક જ બ્લોકમાં આ રીતે બે મકાનમાં ઘૂસીને એક લાખનાં દાગીના તફડાવીને બંને ફરાર થઇ જતાં કુંદનબહેને પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસનાં સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસ હાથ ધરી છે.