ભૂજ, તા.૧૭
ભૂજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં છાત્રાઓને માસિક ધર્મની ચકાસણી કરવા કપડા ઉતરાવવાની ચકચારી ઘટનામાં અંતે જાણે કે હવે વિદ્યાર્થિનીઓની જીત થઈ હોય તેમ આ સંસ્થાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ આ ચકચારી પ્રકરણ માટે ભૂજ દોડી આવી હતી અને ગર્લ્સ હોસ્ટેલના ટ્રસ્ટીઓ સાથે બેઠક કર્યા બાદ સંસ્થાના નિયમોમાં ફેરફાર કરવાની સંમતિ સધાઈ હતી. જે મુજબ હવેથી હોસ્ટેલમાં રહેતી કોઈપણ વિદ્યાર્થિની સાથે માસિક ધર્મની લઈને છૂત-અછૂત કે ભેદભાવ રખાશે નહીં કે માસિક ધર્મ દરમ્યાન વિદ્યાર્થિનીનો કોઈ જ માનભંગ થશે નહીં અને રસોઈ ઘરમાં પણ તે અંગે કોઈ છૂત-અછૂત રખાશે નહીં. દરમ્યાન, રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ દ્વારા કોઈપણ શૈક્ષણિક સંસ્થા માસિક ધર્મ અંગે ચોક્કસ નિયમો પાળવા દબાણ કરી શકે નહીં તેવો પરિપત્ર બહાર પાડવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે અને આ સૂચનાનું પાલન હવે ભૂજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલને પણ કરવું પડશે તે અંગે ટ્રસ્ટીઓ સહમત થયા છે.