(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી સંચાલિત હોસ્ટેલ બિલ્ડિંગને ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવા માટેની દરખાસ્ત કલેક્ટર અને કમિશ્નરને સંચાલકો દ્વારા કરવામાં આવી છે.
સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી સંચાલિત હોસ્ટેલ બિલ્ડિંગ શહેરના અઠવાગેટ વિસ્તારમાં મોકાની જગ્યાએ આવેલી છે કે જ્યાં તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ નજીકના જ અંતરમાં છે. ઉપરાંત આજુબાજુમાં કેટલીક હોસ્પિટલો પણ આવેલી છે.
શહેરમાં જે રીતે કોરોનાના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોની સંખ્યામાં જે રીતે વધારો થઇ રહ્યો છે. તે જોતા આવનાર દિવસોમાં પાલિકાના કોરોનાના દર્દીઓની સારવાર માટે યોગ્ય જગ્યાની જરૂર પડશે જ. માટે સુરત ઇસ્લામ યતીમખાનાના સંચાલકોએ શહેર હિતમાં હોસ્ટેલ બિલ્ડિંગને ક્વોરન્ટાઇન સેન્ટરમાં તબદીલ કરવા માટેની દરખાસ્ત સુરત કલેક્ટર અને કમિશ્નરને કરવાનો એક ઠરાવ પ્રસાર કર્યો હતો. જે મુજબ તેમની પોતાની હોસ્ટેલ બિલ્ડિંગનો ઉપયોગ પાલિકાને જરૂર હોય ત્યારે તેઓ કરી શકે તેવી દરખાસ્ત તેમણે કલેક્ટર અને કમિશ્નરને મોકલી આપી છે. જો આ હોસ્ટેલ બિલ્ડિંગનો ઉપયોગ સરકાર દ્વારા કવોરન્ટાઇન સેન્ટર માટે કરવામાં આવશે તો અહીં રાખવામાં આવનાર દર્દીઓને સવાર, બપોર અને સાંજ જમવાનું સુવિધા સોસાયટી પોતાના ખર્ચે કરશે. તેવી પણ તૈયારી સોસાયટીના સંચાલકોએ શહેર હિતને ધ્યાને રાખી દર્શાવી છે.