(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફરી દિલ્હીની હોસ્પિટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે રાતે એમને  શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. એમને રાતે લગભગ ૧૧ વાગ્યે કોવિડ-બાદના ઉપચાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહની તબિયત સ્થિર છે. એમને વીવીઆઈપી વ્યક્તિઓ માટે અનામત રખાયેલા સીએન ટાવરમાં રાખવામાં આવ્યા છે. ત્યાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયા એમની સારવાર કરી રહ્યા છે. હજી બે અઠવાડિયા પહેલાં જ શાહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ૫૫-વર્ષીય અમિત શાહનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવતા ગઈ ૧૮ ઓગસ્ટે એમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને ગઈ બીજી ઓગસ્ટે ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલ મેદાંતામાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે એમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ૧૪ ઓગસ્ટે એમણે ટ્‌વીટ કર્યું હતું કે ડોક્ટરોની સલાહ અનુસાર એમણે થોડાક વધારે દિવસો માટે હોમ ક્વોરન્ટાઈન થવું પડશે. થાક લાગતો હોવાની અને શરીરમાં કળતર થતી હોવાની ફરિયાદ કર્યા બાદ અમિત શાહને ૧૮ ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ૧૩ દિવસ સુધી રહ્યા બાદ ૩૧ ઓગસ્ટે એમને રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે ગૃહ પ્રધાન શાહ સાજા થઈ ગયા છે. હજી ત્રણ દિવસ પહેલાં જ અમિત શાહે કોરોના વાઈરસ રોગચાળાને એક અભૂતપૂર્વ પડકાર તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ દેશ આ રોગચાળા સામે આયોજનબદ્ધ જંગ ખેલી રહ્યો છે. ભાજપના અગ્રણી નેતાઓએ તેમના વહેલા સાજા થવા અંગે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી.