અમદાવાદ, તા.૨૮
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંચે તા.રર મેના રોજ વી.એસ. હોસ્પિટલને પુનઃ સજીવન કરવાની શક્યતા ચકાસવા હુકમ કર્યો હતો, ત્યારે પ્રજાના વિશાળ હિતમાં વી.એસ. હોસ્પિટલને પુનઃ સજીવન કરવાની શક્યતાની જાત તપાસ કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જસ્ટિસ પારડીવાલાને વિનંતી કરી જણાવ્યું છે કે, જો મ્યુનિ. કોર્પો.ના સત્તાધિશો અમદાવાદીઓના વિશાળ હિતમાં નિર્ણય લે તો ફક્ત ર૪ કલાકમાં જ હોસ્પિટલ પુનઃ ચાલુ થઈ શકે તેમ છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પત્રમાં જણાવ્યું છે કે, જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંચે તા.રર મેના રોજ થયેલ સુનાવણીના આધારે આદેશમાં નોંધ્યું છે કે, અમારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે, અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ૭૦૦ બેડની સુવિધા છે, ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને આદેશ કરવામાં આવે છે કે, તેઓ વી.એસ. હોસ્પિટલને કોરોનાની સારવાર માટે વાપરી શકાય તે માટે શક્યતાઓ ચકાસે અને વી.એસ. હોસ્પિટલને પુનઃ સજીવન કરે. વી.એસ. હોસ્પિટલ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પો. વતિ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જર્નલ દ્વારા એફિડેવિટ ફાઈલ કરીને પ૦૦ બેડની હોસ્પિટલ ચાલુ રાખવાની બાંહેધરી આપવામાં આવેલી જ છે, પરંતુ હવે હાઈકોર્ટમાં આપેલ બાંહેધરીનો મ્યુનિ. કોર્પો.એ અનાદર કરીને હોસ્પિટલને ફક્ત કાનૂની કાર્યવાહીથી રક્ષણ મેળવવા નામમાત્ર ચાલુ રાખેલ છે. તદ્‌ઉપરાંત મ્યુનિ. કોર્પો. દ્વારા અમદાવાદ ચેરિટી કમિશનર સમક્ષ પ૦૦ બેડની હોસ્પિટલ ચાલુ રાખવાની લેખિત બાંહેધરી આપેલ છે. હાલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર તદ્દન નવું જ બાંધવામાં આવેલ છે, તેની અંદર અત્યાધુનિક તબીબી સાધનો અને આઈસીયુ વોર્ડ પણ હયાત છે તેમ છતાં અમદાવાદ મ્યુનિઉ કોર્પો.ના સત્તાધીશો કોરોના મહમારી વચ્ચે પણ વી.એસ. હોસ્પિટલ પ્રત્યેનો પૂર્વગ્રહ અને હઠાગ્રહ કેમ નથી છૂટતો ? હોસ્પિટલો માટે ફાંફાં મારતા તંત્રને ઐતિહાસિક વી.એસ. હોસ્પિટલ કેમ દેખાતી નથી ? જો અમદાવાદના નગરજનોના વિશાળ હિતમાં નિર્ણય લે તો ફક્ત ર૪ કલાકમાં જ હોસ્પિટલ પુનઃ ચાલુ થઈ શકે તેમ છે.