(એજન્સી)           બારડોલી, તા.૫

સુરતના પલસાણા ખાતે લવાયેલી ૩૦ જેટલી યુવતીઓને હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ લવાયેલી હોવાની ફરિયાદ ઝારખંડમાં નોંધાઇ હતી. જે બાદ સ્ટેટ પોલીસની સૂચના મુજબ સુરત અને નવસારી પોલીસે સંકયુત ઓપરેશન હાથ ધરી તમામ યુવતીઓને સુરક્ષિત છોડાવી દીધી છે. ઝારખંડની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને ૩૦ જેટલી યુવતીઓને છેતરીને લાવી હતી. સુરતના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ઝીંગા ફેકટરી પલસાણાના માખીનગા ગામની ફેક્ટરીમાં કામ કરવા લઈ આવવામાં આવી હતી. આ ૩૦ યુવતીઓમાં ૬ સગીર વયની કિશોરીઓ પણ છે. જ્યારે ૨૪ યુવતી પુખ્ત વયની હોય તમામને છેતરીને મંજુદેવી નામની મહિલા સુરત લાવી હોવાની ફરિયાદ ઝારખંડના રાંચી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાતા ગુજરાત સ્ટેટ કન્ટ્રોલ દ્વારા સુરત અને નવસારી પોલીસને સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સ્ટેટ કન્ટ્રોલમાંથી મળેલી સૂચના પ્રમાણે સુરત અને નવસારી પોલીસે ઝીંગા ફેકટરીમાં દરોડા કરીને ૬ સગીર બાળા અને ૨૪ પુખ્તવયની યુવતીને સુરક્ષિત છોડાવી સુરત નારી સુરક્ષા ગૃહમાં મોકલી આપી છે. જ્યારે આ યુવતીઓને છેતરીને લાવનારી મહિલા મંજુદેવીની અટકાયત કરવામાં આવી છે.