(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
શહેરના સરથાણા યોગીચોક ખાતે રહેતા કાપડના વેપારીને માથે દેવું વધી જતાં આજે વહેલી સવારે પોતાની પત્ની સાથે મળી ચાર વર્ષના પુત્રને પ્રથમ ૧૨મા માળેથી ફેંકી દીધા બાદ પતિ-પત્નીએ પણ ૧૨મા માળેથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂની વાવણિયા ગામના વતની અને હાલ સરથાણા યોગીચોક વિસ્તારમાં આવેલ મેજીસ્ટીકા હાઈટ્‌સના બીજા માળે રહેતા ૩૨ વર્ષીય વિજય ચતુરભાઈ વઘાસિયા હાલ અગાઉ યોગીચોક વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ચલાવતા હતા. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી રૂપિયાની હેરાફેરી પણ કરતા હતા. પરંતુ તેઓના માથે દેવુ વધી ગયું હતું. તેઓ દેવાના ડુંગર હેઠળ જીવી રહ્યાં હતા. તેઓ પોતાની પત્ની રેખા (ઉ.વ.૩૦) અને કાકાભાઈ ગૌરવ પરષોત્તમભાઈ વઘાસિયા સાથે દરરોજ વહેલી સવારે ચાલવા પણ જતા હતા. આ દરમ્યાન આજે સવારે છ વાગ્યે વિજયભાઈ પત્ની રેખા પોતાના ચાર વર્ષીય પુત્ર વીર અને ગૌરવ વઘાસિયા સાથે મળી ચાલવા નીકળ્યા હતા. પરંતુ વિજય અને રેખાએ પાણીની બોટલ નહીં લાવ્યાનું બહાનું કાઢી ગૌરવને પાછો પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. ત્યાર બાદ વિજય અને રેખા પોતાના ચાર વર્ષના પુત્ર વીરને સાથે લઈ સીધા જ તેઓ લીફટ મારફતે એપાર્ટમેન્ટના ૧૨મા માળે પહોંચી ગયા હતા ત્યાંથી તેઓ અગાસી ઉપર જતા હતા. પરંતુ અગાસી ઉપર તાળુ મારેલ હતું. જેથી તેઓ ૧૨મા માળે પેસેજના ભાગેથી પોતાના પુત્ર વીરને નીચે ફેંકી દીધા બાદ વિજય અને રેખાએ પણ ૧૨મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ૧૨મા માળેથી આપઘાત કરી લેતા પતિ-પત્ની અને ચાર વર્ષના પુત્રનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોને જાણ થતાં તમામ લોકોએ એક સાથે ત્રણ મૃતદેહ જોતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ ઘટના અંગે સરથાણા પોલીસને જાણ કરાતા એસીપી, ડીસીપી, પીઆઈ અને પીએસઆઈ સહિતનો પોલીસે પણ વિજયના ઘરની તલાશી લેતાં ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં વિજયને આર્થિક બોજો વધી ગયો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જેથી સરથાણા પોલીસે સ્યુસાઈડ નોટ કબજે લીધા બાદ ત્રણેયના આપઘાતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણબવા મળે છે.