(એજન્સી)
નવી દિલ્હી, તા.રપ
૧૦૧ જેટલા પૂર્વ અધિકારીઓએ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખી દેશના કેટલાક ભાગોમાં થઈ રહેલી મુસ્લિમોની હેરાનગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દિલ્હીમાં યોજાયેલા તબ્લીગી જમાતના કાર્યક્રમને ગેરમાર્ગે દોરનારું તેમજ નિંદનીય ગણાવ્યું હતું પરંતુ સાથે સાથે કહ્યું હતું કે, મીડિયાના એક વર્ગની બેજવાબદાર અને ટીકાને પાત્ર કાર્યવાહી મુસ્લિમો પ્રત્યેના વેરભાવને વધારી રહી છે. પૂર્વ સનદી અધિકારીઓએ લખેલા આ જાહેર પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, મહામારીના કારણે ઉદ્દભવેલા ભય અને અસુરક્ષાનો ઉપયોગ કરી જુદા જુદા ભાગોમાં મુસ્લિમોને એકલા પાડી દેવામાં આવ્યા છે કે જેથી ઈરાદાપૂર્વક જાહેર સ્થળોએથી દૂર રાખી શકાય. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશ અભૂતપૂર્વ આઘાતમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આપણે આ મહામારીએ ઊભા કરેલા પડકારોનો સામનો એકજૂથ થઈને એકબીજાને મદદ કરીને જ કરી શકીએ છીએ. આ પત્રમાં મહામારી દરમિયાન બિનસાંપ્રદાયિક અભિગમ ધારણ કરનાર મુખ્યમંત્રીઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી. કેન્દ્રીય સેવાઓ અને દેશભરમાંથી નિવૃત્ત થયેલા આ ૧૦૧ સનદી અધિકારીઓએ કહ્યું હતું કે, કોઈપણ રાજકીય વિચારધારાને અનુસરવાને પગલે ભારતીય બંધારણ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સત્તાવાર ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ખૂબ જ ચિંતા સાથે અમે તમારા ધ્યાનમાં આ વાત લાવવા માંગીએ છીએ કે નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના કાર્યક્રમ પછી દેશના કેટલાક ભાગોમાંથી મુસ્લિમોની હેરાનગતિના અહેવાલો આવ્યા હતા. મીડિયાએ આ સમગ્ર ઘટનાને કોમવાદી રંગ આપી દીધો હતો. આ પત્રમાં આ પણ કહેવામાં આવ્યું હતું કે, વિવિધ સ્થળોએથી હોસ્પિટલો અને સ્વાસ્થ્ય સુવિધાઓમાં મુસ્લિમો સાથે થયેલા ભેદભાવના અહેવાલો વધુ હતાશાજનક છે. આ પત્ર લખનાર અધિકારીઓમાં પૂર્વ કેબિનેટ સચિવ કે.એમ.ચંદ્રશેખર, પૂર્વ આઈપીએસ અધિકારીઓ એ.એસ.દુલત અને જુલિયો રિબેરો, પૂર્વ ચીફ ઈર્ન્ફોમેશન ઓફિસર વજાહત હબીબુલ્લાહ, દિલ્હીના પૂર્વ લેફ.ગવર્નર નજીબ જંગ અને પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય.કુરૈશી સામેલ હતા.