(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૭
૧૦૯ ખાનગી ટ્રેનોની અનુકૂળતા માટે વેસ્ટર્ન રેલ્વેની ૯૦ ટ્રેનના શિડ્યુલ ધરમૂળથી બદલાશે. કોરોના મહામારીને પગલે હાલ રેલ્વે દ્વારા શિડ્યુલ ટ્રેનો ચલાવાતી નથી. દરમિયાન રેલવે મંત્રાલય દ્વારા ૧૦૯ જોડી ટ્રેનનું ખાનગીકરણ કરવા ટેન્ડર બહાર પડ્યું છે. અગાઉ તેજસ ટ્રેનના ખાનગીકરણ વખતે ૨૯ ટ્રેનના સમયમાં બદલાવ કરાયો હતો આવું જ કંઈક અત્યારે રેલવે દ્વારા શિડ્યુલ ટ્રેનોના પરિવહનમાં ધરમૂળથી ફેરફારને મંજૂરી અપાઈ છે. જે પૈકી વેસ્ટર્ન રેલવેની ૯૦ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ટ્રેનોમાં વડોદરાની સંખ્યાબંધ ટ્રેનનો સમાવેશ થાય છે.
રેલવે દ્વારા આઠ પ્રકારના નિર્ણય લેવાયા છે. જેમાં સૌથી મોટો નિર્ણય ૧૭ ટ્રેનોને કેન્સલ કરવાનો અને ૩૪ ટ્રેનોને ડાઈવર્ટ કરવા સાથે ૧૮ ટ્રેનોને અંશતઃ કેન્સલ કરવાનો છે. જો કે, રેલવે સત્તાધીશો મુજબ આ બદલાવ આગામી ૧ ઓક્ટોબરથી શિડ્યુલના ઓપરેશન સમય થઈ શકે છે.
૧૦ ટ્રેનને આગલી ટ્રેન સાથે લિંક ટ્રેન બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જે પૈકી અમદાવાદથી ઉપડતી પશ્ચિમ એક્સપ્રેસ અને રાજકોટ ઓખા ટ્રેનનો સમાવેશ થાય છે. આ સાથે ૩૪ ટ્રેનના રૂટ બદલાયા છે. જેમાં બાંદ્રા દેહરાદુન ટ્રેનનો સમાવેશ થાય છે.
રેલવે દ્વારા કુલ ૧૭ ટ્રેન રદ કરવાનો નિર્ણય કરાયો છે. જે પૈકી વડોદરા ડિવિઝનની આણંદ-અમદાવાદ મેમુ. સાથે બાંદ્રા-વેરાવળ અને ફિરોજપુર જનતા એક્સપ્રેસ સહિત ૬નો સમાવેશ થાય છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરંતોે જામનગર સુધી, બાંદ્રા-જામનગર ટ્રેન વેરાવળ સુધી, બાંદ્રા-મુજ્ફ્ફરપુર બરૂની સુધી, અમદાવાદ-લખનઉ ટ્રેન ગોરખપુર સુધી લંબાવાશે.
રેલવે દ્વારા ૧૮ ટ્રેન ટૂંકાવવાનો નિર્ણય થયો છે. પૈકી ૧૦ ટ્રેન વડોદરા ડિવિઝનની છે. આ ટ્રેનોમાં સુરત-જામનગર, સુરત-હાપા અને વલસાડ-વિરમગામ ટ્રેન વડોદરાથી ચલાવવાનો નિર્ણય થયો છે. ગોધરા-દાહોદ અને ઉધના-અમદાવાદના સ્ટેશન બદલાયા છે.
રેલવે મંત્રાલય અને ડિવિઝન વચ્ચેનો પત્ર વ્યવહાર છે. અમલીકરણ તેના ટાઈમટેબલ અને સમય સાથે આવે ત્યારે જ ફાઈનલ ગણાય. હાલ ટ્રેન ચલાવતી નથી જેથી હાલના તબક્કે કંઈક કહેવું શક્ય નથી. એમ વડોદરા રેલવેના પી.આર.ઓ ખેમરાજ મીણાએ જણાવ્યું છે.

બરોડા એક્સપ્રેસ માત્ર દાદર સુધી ચાલશે

વેસ્ટર્ન રેલવે દ્વારા ત્રણ ટ્રેનના સ્ટેશનમાં બદલાવ કરવાનો નિર્ણય થયો છે. જેમાં અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ અને વડોદરા-મુંબઈ સેન્ટ્રલ આ બંને ટ્રેન માત્ર દાદર સુધી ચલાવાશે. જ્યારે અમદાવાદ મુજફ્ફરપુર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ખાનગી ટ્રેનને વડોદરા-મુંબઈ સેન્ટ્રલનો સ્લોટ અપાયો છે.