અમદાવાદ, તા.૨૮
અમદાવાદમાં શરૂ કરાયેલી ધનવંતરી રથ સેવા કોરોના લોકડાઉનના સમયે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ધનવંતરી રથના માધ્યમથી ૧૦ દિવસમાં શહેરના ૭૪ હજાર લોકોને સારવાર આપવામાં આવી છે. ધનવંતરી રથની સતત સારવારને લીધે શરદી, ખાંસી, તાવ અને સિવિયર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કેસો પણ ઘટ્યા છે. એટલું જ નહીં, સિવિલ અને એસવીપી હોસ્પિટલનું ભારણ પણ ઓછું થયું છે. ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને દવાઓથી સજ્જ ૮૪ ધનવંતરી રથ હાલ શહેરના ૩૩૨ વિસ્તારોમાં ફરીને લોકોની તપાસ કરીને દવાઓ આપી રહ્યું છે. તેમજ ૪૦ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓનું ડાયાબીટીસ ફરિજયાત ચેક કરીને સારવાર આપીને કેસને કો-મોરબિડ થતો અટકાવવામાં આ રથ મહત્ત્વનો ભાગ ભજવે છે. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાના જણાવ્યા મુજબ ગ્રાસરૂટ આઉટરીચ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આ સેવા ખૂબ જ સફળ રહી છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના રોગચાળા સામે લડવા માટે એએમસી વિસ્તારમાં ધનવંતરી રથની શરૂઆત કરવામાં આવી હતી. દરેક રથ ડાક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને ફાર્માસિસ્ટથી સજ્જ છે. પ્રારંભિક તબક્કામાં ૫૦ ધનવંતરી રથને નક્કી કરેલા સ્થળો પર બે કલાક માટે રાખવામાં આવ્યા હતાં. શરૂઆતમાં એએમસીના ૧૪ કન્ટેમેન્ટ વોર્ડિના ૨૦૦ જુદા જુદા સ્થળોને આવરી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લેવાનું શરૂ કરતાં હવે રથોની સંખ્યા વધારી દેવામાં આવી છે. હાલના સમયે ૮૪ ધનવંતરી રથની સાથે શહેરના ૩૩૬ વિસ્તારામાં લોકોને મેડિકલ સેવાઓની સારવાર અપાઈ રહી છે. શહેરમાં અત્યાર સુધી ૫૪૦૭ તાવના, ૧૭૭૨૮ શરદી -ખાંસીના, ૨૧૨ સિવિયર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના અને ૫૬૪૨૮ અન્ય દર્દીઓને સારવામાં આપવામાં આવી છે. આ ઉપરાંત એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિક સારવારથી લૌકોની ઇમ્યુનિટી વધારવામાં આવી રહી છે.