નવી દિલ્હી,તા.૧૯
ક્રિકેટની રમતમાં એકથી એક મહાન ખેલાડીઓ થયા છે પરંતુ એક દિગ્ગજ ખેલાડી એવો પણ હતો જેની મહાનતા માત્ર ક્રિકેટ મેદાન સુધી સીમિત નહોતી. આ ક્રિકેટરે પોતાના ક્રિકેટ કરિયરમાં ૧૯૫૬ વિકેટ ઝડપ્યા હતા. પરંતુ આ સાથે તેને જંગના મેદાનમા પણ દેશ માટે પોતાના જીવની કુરબાની આપી હતી. આ મહાન ખેલાડી કોઈ અન્ય નહીં પણ ડાબા હાથના સ્પિનર હેડલે વેરિટીછે. જેમના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. મીડિયા રિપોર્ટ મુજબ હેડલે વેરિટીનો જન્મ ઇંગ્લેન્ડના યોર્કશરમાં ૧૮ મે ૧૯૦૫માં થયો હતો. તે સ્પિન બોલિંગ કરતા હતા અને ઇંગ્લેન્ડના મહાન બોલર્સમાં તેમનું નામ સામેલ છે. વેરિટી એક એવા સ્પિનર હતા જેમને સર ડોન બ્રેડમેનને પણ હેરાન કર્યા હતા અને સૌથી વધુ ૮ વખત આઉટ કર્યા હતા. હેડલે વેરિટીના નામે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ છે. રિપોર્ટ મુજબ ૧૨ જુલાઈ ૧૯૩૨ના રોજ યાર્કશર ટીમના આ બોલરે ઇતિહાસ રચ્યો હતો. યોર્કશર અને નોટિંઘમશર વચ્ચે મેચ ચાલી રહી હતી. રમતના બીજા દિવસે વરસાદ થયો હતો. તે સમય યોર્કશરની ટીમ બેટિંગ કરી રહી હતી અને નોટિંઘમશરથી ૭૧ રન પાછળ હતી. વરસાદના કારણે યોર્કશરે પોતાની ઇંનિંગ ડિક્લેર કરી હતી અને નોટિંઘમશરની ટીમ મેદાન પર બેટિંગ કરવા ઉતરી હતી. ત્યાર બાદ વેરિટીએ એવી ખતરનાક બોલિંગ કરી કે માત્ર ૧૦ રન આપીને ૧૦ વિકેટ પોતાના નામે કર્યા. વેરિટીએ ૭ વિકેટ તો માત્ર ૧૫ બોલમાં ઝડપી હતી. જેમાં હેટ્રિક પણ સામેલ હતી. વેરિટી દુનિયાના એકમાત્ર એવા બોલર છે જેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓછા રને હેટ્રિક સાથે ૧૦ વિકેટ ઝડપ્યા હતા. વેરિટીએ એકવાર નહીં પણ બે વાર ૧૦ વિકેટ પોતાના નામે કર્યા છે.