નવી દિલ્હી,તા .૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પ્રસિદ્ધિ પાછળ જેટલા રૂપિયાનો ખર્ચ કરે છે એટલા રૂપિયામાં ૧૦ લાખ બાળકો ત્રણ વર્ષ સુધી જમી શકે.
માહિતી અધિકારનાં કાયદા હેઠળ મળેલી માહિતી પ્રમાણે મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં ૪૩૪૩.૨૬ કરોડ રૂપિયા સરકારની પ્રસિદ્ધિ માટે ખર્ચ્યા છે.
જે આંકડા ઉપલબ્ધ છે એ મુજબ, મોદી સરકારે ૨૦૧૪ થી ૨૦૧૫માં ૪૨૪.૮૫ કરોડ રૂપિયાની છાપાઓમાં જાહેરખબરો આપી છે. ૪૪૮.૯૭ કરોડ રૂપિયાની જાહેર ખબરો ઇલેક્ટ્રોનિક મીડિયા અને રૂા. ૭૯.૭૨ કરોડ રૂપિયા આઉટડોર પબ્લિસિટી માટે ખર્ચ્યા છે.
આ જ રીતે, મોદી સરકારે રૂ. ૧૧૭૧.૧૧ કરોડ ૨૦૧૫-૧૬નાં વર્ષમાં અને રૂ.૧૨૬૩.૧૫ કરોડ ૨૦૧૬-૧૭નાં વર્ષમાં ખર્ચ્યા છે.
એક એવો અંદાજ માંડવામાં આવ્યો છે કે, મોદી સરકારે જેટલો ખર્ચ વિવિધ તેમની સરકારની પ્રસિદ્ધિ પાછળ કર્યો છે એટલા રૂપિયામાં ૧૦ લાખ બાળકો ત્રણ વર્ષ સુંધી જમી શકે છે. આ સ્ટોરી છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
જો કે, મોદી સરકારના પ્રસિદ્ધિ પાછળનાં ખર્ચની સતત ટીકાઓ થઇ રહી છે અને એટલે જ કેટલા લોકોએ દાવો કર્યો છે કે, આ ટીકાઓનાં ડરથી મોદી સરકારે પ્રસિદ્ધિ પાછળનો ખર્ચ ૨૦૧૭-૧૮માં થોડો ઘટાડ્યો છે.
જો કે, હવે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલા માટે મોદી સરકાર તેની સિદ્ધીઓ વર્ણવવા માટે ખર્ચ વધારશે એવી શંકાઓ સેવાઇ રહી છે. સરકાર તેની પ્રસિદ્ધિ માટે ખર્ચ કરે છે તે અંતે તો લોકોના ટેક્સનાં પૈસા જ છે.
નરેન્દ્ર મોદી તેમની વિકાસ પુરૂષ તરીકેની ઇમેજ બનાવવામાં સફળ રહ્યાં છે. તેમની આ ઇમેજમાં પ્રસિદ્ધિ માટેની જાહેર ખબરોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે એમ મનાય છે.