(એજન્સી) લખનૌ, તા.૧૪
યુપી બોર્ડની પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. આ વખતે પરીક્ષામાં રેકોર્ડ ૧૧ લાખ ર૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી દીધી છે. પરીક્ષા છોડવાની આ મોટી સંખ્યાને લઈને હવે યુપી સરકાર ગંભીર થઈ ગઈ છે. આ કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે જે વિદ્યાલયોમાં પ૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી તેમની ખાસ કરીને તપાસ કરવામાં આવે, હકીકતમાં યુપી સરકારને શંકા છે કે પ્રદેશના કેટલાક વિદ્યાલયોએ બોર્ડ એક્ઝામ માટે બનાવટી નોંધણી કરાવી હતી, તેને લઈને પ્રદેશના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ દરેક જિલ્લાઓના ડીઆઈઓએસને તપાસના આદેશ આપ્યા છે. તપાસ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાલયોમાં પ૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી છે તે વિદ્યાલયોની તપાસ કરવામાં આવે. હકીકતમાં સરકાર એ જાણવા ઈચ્છે છે કે શું કારણ છે જેનાથી આટલી સંખ્યામાં બાળકોએ પરીક્ષા છોડી. જો કે પરીક્ષા દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા છોડવાની વાત સામે આવી તો સરકારના મંત્રી અને યુપી બોર્ડ તેને નકલની વિરૂદ્ધ કડકાઈ સાંકળીને જોઈ રહ્યું હતું. આ પહેલાં યુપીના ડે. સીએમ દિનેશ શર્માએ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સમીક્ષા કરતાં કહ્યું કે, કોઈ પણ કિંમતે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.