દુબઇ, તા.૧૬
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૧૩મી સિઝનનો પ્રારંભ થવાની તૈયારીમાં છે. તેની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. કોરોના વાયરસ બાદ બીસીસીઆઈએ આ ઇવેન્ટ યોજવા માટે આકરી મહેનત કરેલી છે. આઇપીએલના ટીવી પ્રસારણ અધિકાર સ્ટાર ટીવી પાસે છે. ટુર્નામેન્ટની ૧૩મી સિઝનનું જીવંત પ્રસારણ ૧૨૦ દેશમાં થનારું છે. જોકે આ ૧૨૦ દેશમાં પાકિસ્તાનનો સમાવેશ કરાયો નથી. ભારતમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત કેટલીક સ્થાનિક ભાષામાં તેનું પ્રસારણ કરાશે જેમાં બંગાળી, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ ભાષાનો સમાવેશ થાય છે.
પ્રેક્ષકો ડીઝની પ્લસ હોટસ્ટાર પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે પરંતુ તે માટે તેમની પાસે પ્રીમિયમ મેમ્બરશિપ હોવી જરૂરી છે. બ્રિટનમાં સ્કાય સ્પોટ્‌ર્સ અને અમેરિકા તથા કેનેડામાં વિલો ટીવી પરથી પ્રસારણ કરાશે.ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ફોક્સ સ્પોટ્‌ર્સ પરથી આઇપીએલની મેચો નિહાળી શકાશે. સ્ટાર આ મામલે હાલમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના સ્થાનિક બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરી રહ્યું છે જેથી તે દેશમાં પણ પ્રસારણ કરી શકાય.
૫૩ દિવસ ચાલનારી આ ટૂર્નામેન્ટમાં આઠ ટીમ વચ્ચે ૬૦ મેચ રમાશે. આઇપીએલની પહેલી સિઝન ૨૦૦૮માં રમાઈ ત્યારે તેમાં પાકિસ્તાની ક્રિકેટરો રમ્યા હતા પરંતુ ત્યાર બાદ બંને દેશના સંબંધો વણસતાં પાકિસ્તાની ખેલાડીઓને હરાજીમાં સામેલ કરાતા નથી. હવે તો તે દેશમાં પ્રસારણ પણ થશે નહીં.