(એજન્સી) હૈદરાબાદ, તા.૧૭
મોહમ્મદ જમીલ હુસૈન અને સબા ફાતિમાના ચાર દીકરાઓ અને આઠ દીકરીઓ સહિત ૧૨ બાળકો છે. તેમની સૌથી મોટી દીકરી આયેશા જબીને એમબીબીએસ કર્યું છે અને તે હાલમાં ઈન્ટર્નશિપ કરી રહી છે. જમીલ હુસૈન એક ફનિર્ચરની દુકાનમાં પોલિશ કામ કરે છે. જ્યારે તેમના પત્ની સાડીઓમાં લેશ લગાવી અને અથાણા વેચી પરિવારને આર્થિક ટેકો આપે છે. તેમના બધા બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર છે. જમીલ હુસૈન તેમના બાળકોની સફળતાનો શ્રેય તેમની પત્નીને આપે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમની સૌથી મોટી દીકરી આયેશા જબીન એસએસસીમાં સારા માર્કસે ઉત્તીર્ણ થઈ હતી ત્યારે સિયાસતના તંત્રી ઝાહીદ અલી ખાને દરેક ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાયની ખાતરી આપી હતી. આયેશાએ મેરિટના આધારે મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હતો. મિલ્લત ફંડ અને ફૈઝ-એ-આમ ટ્રસ્ટે તેને સંપૂર્ણ આર્થિક સહાય આપી હતી. તેમની બીજી દીકરી આતુફા બી.ફાર્મ કરી રહી છે અને તે એમ.ફાર્મ કરવા માંગે છે. તે યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈપીએસ અધિકારી પણ બનવા માંગે છે. જમીલ હુસૈનની ત્રીજી દીકરી અદીબા કુર્આન હાફીઝ છે અને તે હાલમાં આલિમા બની રહી છે. તે મૂફ્તી બનવા માટેનો અભ્યાસક્રમ પણ પૂરો કરવા માંગે છે. તેમની ચોથી દીકરી આફિયા જબીન સીએમાં ઈન્ટર્નશીપ કરી રહી છે. જ્યારે અરશિયા એમબીએ કરવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે. જમીલ હુસૈનના પુત્ર મુઝમ્મિલે એસએસસી પાસ કરી છે અને તે સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે. તેમની દીકરી શામિયા જબીન ધો.૧૦માં છે અને તે વકીલ બનવા માંગે છે. ચોથા ધોરણમાં ભણતો તેમનો પુત્ર અયાન જબીન પાયલોટ બનવા માંગે છે. આયના જબીન પણ એન્જિનિયર બનવા માંગે છે. જ્યારે મુજતબા વકીલ બનવા માંગે છે. ટૂંકમાં તેમના બધા બાળકો ખૂબ જ હોશિયાર છે અને સાથે સાથે તેઓ ચોક્કસ મહત્ત્વકાંક્ષાઓ પણ ધરાવે છે.