(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૧
મહિલાઓ અને બાળકો સાથે રેપની ઘટનાઓને રોકવા અને દોષિતોને આકરામાં આકરી સજા આપવા માટે કેન્દ્રીય કેબીનેટે અપરાધિક કાયદા (સુધારા) વટહુકમ ૨૦૧૮ને મંજૂરી આપી દીધી છે. કાયદા અંતર્ગત ૧૨ વર્ષથી ઓછી ઉંમરના માસૂમ સાથે રેપ બદલ દોષિતને મોતની સજાની જોગવાઇ કરવામાં આવી છે. શનિવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યોે છે. જમ્મુના કઠુઆ કાંડ અને ઉત્તરપ્રદેશના ઉન્નાવ કાંડે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી છે
જે બાદ ભીંસમાં આવેલી સરકારે સગીરો સાથે રેપની ઘટનાઓને રોકવા માટે આકરી સજાની જોગવાઇ કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતું કે, તેઓ કઠુઆ અને તાજેતરમાં થયેલી બળાત્કારની ઘટનાઓથી ઘણા દુઃખી છે અને તેમનું મંત્રાલય ટૂંક સમયમાં જ કાનુનમાં સંશોધનનો પ્રસ્તાવ કેબીનેટ સમક્ષ રજૂ કરશે જેથી રેપના દોષિતોને આકરામાં આકરી સજા આપવામાં આવી શકે.
તાજેતરમાં જ બાળકીઓ સાથે રેપની ઘટનાઓને મોદી સરકારે ઘણી ગંભીતાથી લીધી છે અને કેબીનેટે બળાત્કારના આરોપીઓને આકરામાં આકરી સજા આપવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે. આમાં ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે રેપના દોષિતને મોતની સજા તથા ૧૨ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી નાની ઉંમરની બાળકી સાથે રેપ કરનારને આકરામા આકરીસ જા આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત આવાકેસોમાં વહેલામાં વહેલી સુનાવણી કરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રો અનુસાર અપરાધિક કાનુન સંશોધનમાં વટહુકમમાં આઇપીસી, પુરાવા કાયદા, અપરાધિક પ્રક્રિયા સંહિતા અને બાળ યૌન અપરાધ સંશોધન કાનુન (પોક્સો)માં સંશોધનની જોગવાઇ છે.
કાનૂનમાં ફેરફારને અપાયેલી મંજૂરી
૧. મહિલાઓ સાથે બળાત્કારની સાત વર્ષની સજાને વધારી ૧૦ સુધી કઠોર જેલવાસની સજાની જોગવાઇ કરાઇ છે. જેને આજીવન કારાવાસ સુધી વધારવાની પણ જોગવાઇ છે.
૨. ૧૨ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે રેપ મામલે સજાને ૧૦ વર્ષથી વધારીને ૨૦ વર્ષ કરવામાં આવી છે. તેને આજીવન કારાવાસ સુધી વધારી શકાય છે એટલે કે, સમગ્ર જીવન જેલમાં ગુજારવું પડી શકે છે.
૩. ૧૨ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે ગેંગરેપ મામલે દોષિતને આજીવન કારાવાસની સજાની જોગવાઇ કરવામાં આવી છે. એટલે કે તેને મૃત્યુ સુધી જેલમાં રહેવું પડી શકે છે.
૪. ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે રેપના દોષિતને ઓછામાં ઓછી ૨૦ અથવા આજીવન કારાવાસ અથવા મોતની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
૫. ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે ગેંગરેપના મામલે દોષિતને આજીવન કારાવાસ અથવા મોતની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

રેપ મામલે તપાસ અને ઝડપી સુનાવણી
– રેપ મામલે તપાસ બે મહિનામાં પુરી કરવી.
– રેપ મામલે સુનાવણીને બે મહિનામાં પુરી કરી દેવી.
– રેપ મામલે નીચલી અદાલતના નિર્ણય વિરૂદ્ધ ઉચ્ચ અદાલતમાં પડકારની સમયમર્યાદા છ મહિનાની રહેશે.

આગોતરા જામીન પર રોક
૧. ૧૨ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી ઉંમરની સગીરા સાથે રેપ અથવા ગેંગરેપના કેસમાં આરોપીઓને આગોતરા જામીન આપવાની કોઇ જોગવાઇ નથી.
૨. અદાલત ૧૨ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે આરોપીઓને જામીન પર નિર્ણય લેવા ૧૫ દિવસ પહેલા સરકારી વકીલ અને પીડિતાના પ્રતિનિધિને નોટિસ આપશે.
૩. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને હાઇકોર્ટ સાથે ચર્ચા વિચારણા કરી નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવે. આ ઉપરાંત સરકારી વકીલોની સંખ્યા વધારવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશન અને હોસ્પિટલોમાં રેપ કેસની તપાસ માટે સ્પેશિયલ ફોરેન્સિક કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.