ખેડૂત આંદોલન સામે બચાવમાં ભાજપ સરકાર દ્વારા ઠેર-ઠેર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન
ડે.સીએમના આકરા પ્રહારો : આતંકવાદીઓ અને કોંગ્રેસ આંદોલન ચલાવે છે

(સંવાદદાતા દ્વારા)  ગાંધીનગર, તા.૧૭
નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યારે તેની સામે બચાવમાં ભાજપ સરકાર દ્વારા હવે દેશને પગલે રાજ્યમાં ઠેર-ઠેર ખેડૂત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા જ એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આક્રમક શૈલીમાં વિપક્ષોને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં માત્ર બે રાજ્યો જ કાયદાનો વિરોધ કરે છે. ૧૩૦ કરોડમાંથી પ૦ હજાર લોકો વિરોધ કરે તો કાયદો કોઈ કાળે બદલી ન શકાય. આતંકવાદીઓ અને કોંગ્રેસ આ આંદોલન ચલાવવા નાણાં સહિતની સહાય કરી રહ્યા હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા. પંચમહાલના મોરવા હડફમાં ખેડૂત સંમેલનમાં પંચમહાલ, મહીસાગર અને દાહોદના ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને નવા કૃષિ કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધિત કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૦૮ની સેવા મોદી સરકારે લોક કલ્યાણ અર્થે આપી, જ્યારે કોંગ્રેસના લોકો લગ્નોમાં મફતનું ખાઈ ફોટા પડાવીને જતાં રહેતા હતા. ભાજપ મત ના બદલે સવાયું આપે છે. ખેડૂતના પાક વેચાણ અંગેની પ્રક્રિયા અંગે થતો ખર્ચ વર્ણવતાં નીતિન પટેલે જણાવ્યું આ બધો ભાર કન્યાની કેડે આવે છે. પરંતુ નવા કૃષિ કાયદાથી સમગ્ર ભારતના ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે. નવા કૃષિ કાયદાથી હવે સમગ્ર ભારતના ખેડૂતોને માર્કેટ યાર્ડ બહાર વેચાયેલ માલની શેષ માર્કેટ યાર્ડને આપવી નહીં પડે. ગુજરાતના માર્કેટ યાર્ડને વર્ષે દહાડે ૧૦૦ કરોડની આવક થાય છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આખા ભારતમાંથી કૃષિ કાયદાનો વિરોધ માત્ર બે જ રાજ્યો કરે છે. પંજાબ અને હરિયાણા સિવાય કોઈ વિરોધ નથી કરી રહ્યું. ૧૩૦ કરોડમાંથી ૫૦ હજાર લોકો વિરોધ કરે તો કાયદો કોઈ કાળે બદલી ન શકાય. નીતિનભાઈએ ઉપસ્થિત આગેવાનોને પૂછ્યું કે, ૫૦ હજાર લોકો કહે એટલે પાર્લામેન્ટે પાસ કરેલો કાયદો રદ્દ કરી દેવાનો ? ૫૦ હજાર લોકો કહે એટલે કાશ્મીર છોડી દેવાનું ? આ લોકો કહે તો ગમે તે કરી દેવાનું ? કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલ ખેડૂતોનું વિરોધ આંદોલન સામ્યવાદીઓ પ્રેરિત હોવાનો નીતિન પટેલે આડકતરી રીતે ઈશારો કર્યો હતો. આ આંદોલનો ખાલીસ્તાનિઓ, ચીન અને પાકિસ્તાન તરફીઓ અને ટુકડે-ટુકડે ગેંગ, આતંકવાદીઓ અને કોંગ્રેસ આ આંદોલનને ચલાવવા પૈસા સહિતની સહાય કરી ચલાવડાવી રહ્યા છે. દેશની એકતાને તોડવા અને મોદી સરકારની છબી ખરાબ કરવાની કોશિશ તેના થકી થઈ રહી હોવાના શાબ્દિક પ્રહારો કર્યા હતા.