સુરત, તા.૩
રાજ્યનાં સુરત શહેરમાં ફરીથી સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના પુણા વિસ્તારમાં ૧૩ વર્ષીય બાળકીને દૂરના સંબંધી ૫૫ વર્ષીય આધેડે પૈસાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા પુણા પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે આધેડ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની ૧૩ વર્ષ ૬ માસની એક બાળકી તેમના પરિવારના દૂરના સંબંધી નાં ઘરે અવારનવાર જતી હતી. જોકે, ૫૫ વર્ષીય રામલાલ અગ્રવાલે તેને પૈસાની લાલચ આપી એક વખત દુષ્કર્મ આચર્યા બાદ અવારનવાર તે જ લાલચે ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
પરિણામે બાળકી ત્રણ માસ અગાઉ ગર્ભવતી બની જતા પરિવારને જાણ થઇ હતી. પરિવારજનો દુષ્કર્મ આચરનાર દૂરના સંબંધીનું નામ જાણી ચોંક્યા હતા. આ અંગે શરૂઆતમાં તેમણે સમાજના અગ્રણીઓને સાથે રાખી કોઈક માર્ગ શોધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેમને સફળતા ન મળતા છેવટે બાળકીની માતાએ રામલાલ અગ્રવાલ વિરૂદ્ધ ગત રાત્રે પુણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પુણા પોલીસે ૫૫ વર્ષીય રામલાલ અગ્રવાલની ધરપકડ કરી છે.