(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના જોખમને જોતાં સમગ્ર દેશમાં ૧૪મી એપ્રિલ સુધી લોકડાઉન કર્યો છે. લોકડાઉનના નિર્ણય બાદ ડીજીસીએએ પણ ૧૪મી એપ્રિલ સુધી સમામ ડોમેસ્ટિક, નોન શિડ્યૂલ્ડ અને પ્રાઇવેટ વિમાનોનું સંચાલન સ્થગિત કરાયું છે. આ નિર્ણય વિમાન સંચાલને તમામ આંતરરાષ્ટ્રીય તથા કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટો મોકૂફ રાખવાના નિર્ણય બાદ કર્યો છે. ડીજીસીએએ આ પહેલા કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટો ૨૯મી માર્ચ તથા ડોમેસ્ટિક ફ્લાઇટો ૩૧મી માર્ચ સુધી મોકૂફ રહેશે. ડીજીસીએએ પોતાના પરિપત્રમાં જણાવ્યું કે, તમામ નિયત, અનિયત સમાવિષ્ટ ઓપરેટર્સમાં સામેલ અને પ્રાઇવેટ એરક્રાફ્ટ સંચાલનમાં ૧૪મી એપ્રિલ રાતે ૧૨ વાગ્યા સુધી વધારો કરાયો છે. એવો નિર્ણય લેવાયો છે કે, ૧૪ એપ્રિલ ૨૦૨૦ સુધી તમામ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેેસેન્જર સેવાઓ બંધ રહેશે. જોકે, ડીજીસીએ દ્વારા ખાસ મંજૂરી અપાયેલા આંતરરાષ્ટ્રીય કાર્ગો સંચાલન અને ફ્લાઇટો પર આ અંકુશ લાગુ પડતો નથી. આનો મતલબ એ થયો કે, આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટો ૧૫ એપ્રિલથી સંચાલિત થશે. એર ઇન્ડિયાએ પણ તેની ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને ૧૪મી એપ્રિલ સુધી મોકૂફ રાખી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાની તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ ૧૪મી એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે.