(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૮
સીઆરપીસીની કલમ ૧૪૪ અને બોમ્બે પોલીસ એકટની કલમ ૩૭ના શહેરમાં સતત અમલ સામે ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઈઆઈએમએ) અને અન્ય ચાર અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે. તાજેતરમાં પોલીસે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) લાવવાની હિલચાલ સામે દેખાવો કરવા પરવાનગી ન આપતા એવું કારણ આપ્યું હતું કે પ્રતિબંધાત્મક આદેશો શહેરમાં લાગુ છે. અરજદારોએ દાવો કર્યો હતો કે આ કલમોના સતત અમલથી અમદાવાદ જાણે સતત જોખમમાં હોય એવી બેમુદ્દત યુદ્ધ છાણી બની છે. સાથે મળી વિરોધને દાવા આપવાના લોકોના અધિકાર આ કારણે છીનવાય જાય છે. આ કલમો હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેર સ્થળોએ ૪થી વધુ શખ્સો ભેગા થઈ શકતા નથી. અરજદારોએ આવા આદેશની બંધારણીય વૈધતા તેમજ આવા ઓર્ડર જારી કરવાના પોલીસ કમિશનરના અધિકારક્ષેત્રને પણ પડકાર્યા છે. નાગરિકતા સુધારા કાયદા સામે ૧૬ ડિસેમ્બરે આઈઆઈએમ કેમ્પસ બહાર અરજદારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમને અટકમાં લેવાયા એ પછી અરજદારોએ આ રિટ કરી છે.
આઈઆઈએમના પ્રોફેસર નવદીપ માથુર, સંજીવ અને અર્ચના શાહ, રાઘવન રંગરાજન અને અંકુર સરીને તમામ પ્રતિબંધક હુકમો નાબૂદ કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા આવા પ્રતિબંધાત્મક હુકમો લાવવામાં આવે ત્યારે એને બહોળી પ્રસિદ્ધિ આપવા સત્તાવાળાઓને આદેશ આપવા માંગ કરી છે. તેમણે માંગણી કરી છે કે જે વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો લાગુ કરવાની જરૂર હોય તે વિસ્તારો સત્તાવાળાઓએ અલગ તારવવા જોઈએ અને સમગ્ર શહેરમાં પ્રતિબંધ લાગુ ન કરવો જોઈએ. અરજદારોએ છેલ્લા ૩ વર્ષમાં કમિશનર દ્વારા જારી ૬૪ નોટીફીકેશનનો ઉલ્લેખ કર્યો હતો. અરજદારોએ જણાવ્યું હતું કે ૧૪૪મી કલમ અને બોમ્બે પોલીસ એકટની કલમ ૧૩૭નો ઉપયોગ કરી લોકોના અભિવ્યક્તિના બંધારણીય સ્વાતંત્ર્યને મર્યાદીત કરવામાં આવે છે. પ્રતિબંધાત્મક હુકમોથી લોકો એકઠા થઈ શકતા નથી. અરજદારોએ હાઈકોર્ટને સત્તાવાળાઓને આવા હુકમો કેટલીવાર કટોકટી બહાર પાડવામાં આવ્યા તે જણાવવા અનુરોધ કર્યો હતો. હાઈકોર્ટ આ અરજીની સુનાવણી ૯ જાન્યુઆરીએ કરશે.