નવી દિલ્હી,તા.૧૦
કોરોના વાઈરસના કારણે ૨૯ માર્ચે શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગને ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, કોરોનાના કારણે ૧૫ એપ્રિલથી IPL રમાઈ તે સંભવ નથી. દેશમાં લોકડાઉન વધશે તેવું લાગી રહ્યું છે.
રાજીવે કહ્યું કે, મને કોઈ તૈયારી દેખાઈ રહી નથી. અમારી પ્રાથમિકતા કોરોનાથી લડવાની અને લોકોનો જીવ બચાવવાની છે. અત્યારે બધું સરકારના નિર્ણય પર નિર્ભર છે. જોઈએ કે સરકાર લોકડાઉન, વિઝા પ્રતિબંધ અને કોરોનાને લઈને શુ કહે છે. અમે તેમના આદેશ પ્રમાણે જ કામ કરીશું. પૂર્વ ચેરમેને કહ્યું, “અમે સાંભળ્યું છે કે ૧૪ સુધીના લોકડાઉનને આગળ વધારવામાં આવશે. તેવી સ્થિતિમાં તમે ૧૫ એપ્રિલથી IPL વિશે વિચારી રહ્યા હોવ તો તે અશક્ય છે.” વિદેશી ખેલાડીઓની IPL રમવાની સંભાવના પર રાજીવે કહ્યું કે આવી સ્થિતિમાં તે અસંભવ છે. ભારત સરકાર વિઝા પ્રતિબંધની તારીખ આગળ વધારી શકે છે, જે અત્યારે ૧૫ એપ્રિલ છે.