(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં મોંઘવારીએ માજા મૂકી છે. પહેલાં રોજબરોજની વપરાશમાં આવતા ડુંગળી-બટેટા મોંઘા થયા ત્યારબાદ ખાદ્યતેલ મોંઘું થયું અને હવે ફરી એકવાર ગેસના ભાવ વધ્યા છે. ૧૫ દિવસમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયા વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. ૧૪.૨ કિલો સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ રીતે ૫ કિલોના શોર્ટ સિલિન્ડરના ભાવમાં ૧૮ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે ૧૯ કિલોનું સિલિન્ડર ૩૬.૫૦ રૂપિયા વધાર્યું છે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની આઈઓસીના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સબસિડી વિના ૧૪.૨ કિલો ગેસ સિલિન્ડરની કિંમત હવે ૬૪૪ રૂપિયા પર આવી ગઈ છે, તે કોલકાતામાં ૬૭૦.૫૦ રૂપિયા, મુંબઈમાં ૬૪૪ રૂપિયા અને ચેન્નઈમાં ૬૬૦ રૂપિયા થઈ ગઈ છે.
અગાઉ દિલ્હીમાં સબસિડી વિના ૧૪.૨ કિલો ગેસ સિલિન્ડરની કિંમત ૫૯૪ રૂપિયા હતી, તે કોલકાતામાં ૬૨૦.૫૦ રૂપિયા, મુંબઈમાં ૫૯૪ રૂપિયા અને ચેન્નઈમાં ૬૧૦ રૂપિયા હતા. આ જ રીતે ૧૯ કિલો સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૧૨૯૬ રૂપિયા, કોલકાતામાં ૧૩૫૧.૫૦ રૂપિયા, મુંબઈમાં રૂા.૧૨૪૪ અને ચેન્નઈમાં ૧૪૧૦.૫૦ રૂપિયા થયો છે. આ પહેલાં ૧ જાન્યુઆરીએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ૧૪.૨ કિ.ગ્રા.વાળા સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૧.૫૦ રૂપિયા વધાર્યો હતો, આમ ૧૫ દિવસમાં ગેસના ભાવમાં આ રીતે વધારો થતાં સામાન્ય માણસને પારાવાર મુશ્કેલી આવી રહી છે.