(એજન્સી) નવી દિલ્હી ,તા.૩
દેશમાં કોરોના અનલોક-૧ ઘાતક પુરવાર થઇ રહ્યું હોય તેમ લોકડાઉન-૪ બાદ અપાયેલી વધારાની છૂટછાટ સરકાર અને લોકો માટે જોખમંકારક બની રહી હોય તેમ આજે બુધવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં રેકોર્ડબ્રેક સમાન અત્યાર સુધીમાં સૌથી વધારે ૮,૯૦૯ જેટલા કેસો બહાર આવતાં ચાર-ચાર લોકડાઉન સફળ રહ્યાં કે કેમ તેવા સવાલો પણ થઇ રહ્યાં છે. કેમ કે છેલ્લાં પાંચ દિવસમાં રોજેરોજ ૮- ૮ હજાર જેટલા કેસો બહાર આવ્યાં છે.માત્ર ૧૫ દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખમાંથી બે લાખ થઈ ગઈ છે. દેશભરમાં કોરોનાના કુલ ૨,૦૭,૬૧૫ કેસ નોધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીના ૫૮ એવા વિસ્તાર છે જે હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૯ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૭૬ લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૧,૦૦,૩૦૩ સુધી પહોંચી ગયો છે. જ્યાં સૌથી વધારે કેસો બહાર આવે છે એ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૨,૩૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૪૬૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૫૮૬ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૯૭ લોકોના મોત થયા છે.ત્યારબાદ દિલ્હીમાં ૨૨૧૩૨ કેસ નોંધાયા છે જ્યારે ૫૫૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.ગુજરાતમાં ૧૭,૬૩૨ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૦૯૨ લોકોના મોત થયા છે.મંગળવારે મહારાષ્ટ્રમાં ૨૨૮૭, તમિલનાડુમાં ૧૦૯૧, ગુજરાતમાં ૪૧૫, પશ્ચિમ બંગાળમાં ૩૯૬, કર્ણાટકમાં ૩૮૮, રાજસ્થાનમાં ૧૭૧, બિહારમાં ૧૦૪, ઓડિશામાં ૧૪૧, આંધ્ર પ્રદેશમાં ૧૧૫, ઉત્તરાખંડમાં ૪૦, આસામમાં ૨૮ અને મિઝોરમમાં ૧૨ દર્દી મળ્યા હતા.