(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૪
ઉનામાંથી પસાર થતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી તેમજ મોટાખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ હાલાકી વેઠવી પડી રહી છે. આ રસ્તાને રીપેર કરવા ૧૫ દિવસ પહેલા પ્રાંત અધિકારી ઉનાને આવેદનપત્ર આપી અલ્ટીમેટમ આપેલ હોવા છતાં ખરાબ રસ્તા રીપેરીંગ કરવામાં ન આવતા આજ રોજ ઉના શહેરના યુવાનો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ટાવર ચોકના રસ્તા પર ઉતરી આવતા પોલીસ દોડી આવી હતી અને ૫ લોકોની અટકાયત કરી ફરી મામલો શાંત પાડ્યો હતો. આંદોલનના મુખ્ય આગેવાનો રસીક ચાવડા, વિનોદ બાંભણીયા, મગન ગજેરા, ભરત શિંગડ, પ્રકાશ બાંભણીયા સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાંત અધિકારીએ આ અંગે જણાવેલ હતું કે, નેશનલ હાઇવે ઓથોરેટીને અમે લેખિત જાણ કરી હતી અને હાઇવે ઓથોરેટીએ વીઝીટ પણ કરી લીધી છે અને આ રોડનું યોગ્ય રીતે રીપેરીંગ કરવામાં આવે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ તાત્કાલિક રીપેરીંગ કરવા અલ્ટીમેટમ જેતે વિભાગના અધિકારીઓને આપવામાં આવેલ છે.