(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
પેટ્રોલિયમ કંપનીએ સવારે પેટ્રોલમાં ૬૦ પૈસા અને ડીઝલમાં ૫૬ પૈસાના ઘટાડાની જાહેરાત કરી હતી જોકે, કલાકોમાં જ તેમણે આ વધારો ભૂલથી આપ્યો હોવાનું જણાવતા કહ્યું કે ફક્ત એક પૈસાનો ઘટાડો થયો છે. બુધવારે સવારે ૬ વાગ્યાથી દિલ્હીમાં પેટ્રોલની કિંમતો પ્રતિ લિટરે ૭૮.૪૨ રૂપિયા, કોલકાતામાં ૮૧.૦૫ રૂપિયા પ્રતિ લિટર, મુંબઇમાં ૮૬.૨૩ રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નાઇમાં ૮૧.૪૨ રૂપિયા પ્રતિ લિટર ભાવો થઇ ગયા હોવાની જાહેરાત ઇન્ડિયન ઓઇલે કરી છે. આ જ રીતે ડીઝલમાં અનુક્રમે ૬૯.૩ રૂપિયા પ્રતિ લિટર, ૭૧.૮૫ પ્રતિલિટર, ૭૩.૭૮ રૂપિયા પ્રતિલિટર અને ૭૩.૧૭ રૂપિયા પ્રતિલિટર ભાવો થઇ ગયા હતા. ૧૪મી મેથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થતો હતો. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટિ્‌વટ કરતા લખ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે એક પૈસાનો ઘટાડો થયો છે એક પૈસો !?? મોદીજી શું આ તમારો આઇડિયા છે કે પછી મશ્કરી. આ એક છોકરમત અને ખરાબ અનુભવ છે. ગયા અઠવાડિયે કરેલા ઇંધણના પડકારનો યોગ્ય જવાબ નથી. કોંગ્રેસના નેતા સંજય ઝાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ટીખળ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ બાબતને ગંભીર તથા મજાકના રૂપમાં લીધી હતી અને નરેન્દ્ર મોદી સરકારની આકરી મજાક કરી હતી.