(એજન્સી) નવી દિલ્હી, તા.ર
ભારતના વાણિજ્ય મંત્રાલયે સ્વદેશ જાગરણ મંચ (એસજેએન) દ્વારા દાખલ કરેલી ફરિયાદ પર ૧૬ બિલિયન ડોલર વોલમાર્ટ-ફ્લિપકાર્ટ કરારની વિરૂદ્ધ બહુપક્ષીય તપાસ શરૂ કરી છે. ભારતીય રિઝર્વ બેંક, ઈડી, ભારતના પ્રતિસ્પર્ધા આયોગ અને આવકવેરા વિભાગને મોકલવામાં આવેલ સત્તાવર આવેદનમાં મંત્રાલયે આ એજન્સીઓને એફડીઆઈ નીતિ માપદંડો સહિત જુદા-જુદા પાસાઓમાં કથિત અનિયમિતતાઓ વિશે ફરિયાદની તપાસ કરવાનું કહ્યું છે.
મંત્રાલયના કોમર્સ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર એસજેએમે પોતાના પત્રમાં આરોપ મૂક્યો છે કે, ફ્લિપકાર્ટ એક જટિલ કોર્પોરેટ સંરચના દ્વારા એફડીઆઈ નીતિ માપદંડોની અવગણના કરીને ઈ-કોમર્સના માધ્યમથી બિન-બ્રાન્ડેડનું રિટેલીંગ ગેરકાયદેસર રીતે કરી રહ્યું છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફ્લિપકાર્ટનું વહીવટીતંત્ર ખુદને એક બી ટુ બી સેગમેન્ટના એકમ તરીકે પ્રસ્તુત કરી રહ્યું છે, પરંતુ તે બીટુ બી અને બી ટુ સી એમ બંને સેગમેન્ટમાં કામ કરી રહ્યું છે.
૧૯ મહિનાના વાર્તાલપ બાદ, વોલમાર્ટે ગત મહિને ફ્લિપકાર્ટ સાથે ૧૬ બિલિયન ડોલરનો કરાર કર્યો હતો, જે ભારતના ઈ-કોમર્સ બજારના લગભગ ૩૯ ટકા કંટ્રોલ કરે છે.