(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર દિલ્હી સ્કૂલનો ૧૬ વર્ષીય વિદ્યાર્થી વ્હીલસ બ્લોઅર બન્યો. આ વિદ્યાર્થીએ સીબીએસઈના પેપર લીકની માહિતી સૌથી પહેલા સીબીઆઈને આપી હતી. ૨૮ માર્ચના રોજ ધોરણ ૧૦ ની પરીક્ષા શરૂ થાય તે પહેલા સીબીએસઈ ચેરમેન અનિતા કરવાલને પોતાના સત્તાવાર ઈમેઈલ પર એક ફરિયાદ મળી જેમાં એવું કહેવામાં આવ્યું કે વોટ્‌સએપ પર પેપર લીક થયું છે. પોતાના પિતાના જીમેઈલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર આ વિદ્યાર્થીએ પરીક્ષા રદ કરવાની વિનંતી કરી હતી. પરીક્ષા તો તેના નિયમ સમયે યોજાઈ હતી તે જ દિવસે સીબીએસઈએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે સીબીએસઈની ફરિયાદને આધારે ૨૮ માર્ચના રોજ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની તપાસ સંભાળનાર વિશેષ તપાસ ટીમે ગૂગલને આ વ્યક્તિની ઓળખ કરવામાં સહાય માંગી હતી. દિલ્હી ક્લબમાં નોકરી કરનાર વ્યક્તિએ પુષ્ટિ કરતાં કહ્યું કે મારા પુત્રે સીબીએસઈ પેપર લીકની જાણ કરી હતી. તેમણે કહ્યું કે મારા પુત્રને વોટસએપ પર ગણિતનું પેપર મળ્યું હતું. તે ચિંતાતુર જણાતો હતો અને મને કહ્યું હતું કે તે સીબીએસઈને જાણ કરવાનો છે.ત્યાર બાદ તેણે ઈમેઈલમાં મળેલા પેપરની કોપી સંલગ્ન કરી અને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટને મોકલી આપી. પરંતુ તે સમય સુધીમાં પરીક્ષા રદ કરવાનું ઘણું મોડું થઈ ગયું હતું. સીબીએસઈ ચેરમેન કરવાલે પણ પરીક્ષા પહેલા આ વ્યક્તિનો ઈમેઈલ મળ્યો હોવાનું સ્વીકાર કર્યું હતું. કરવાલે કહ્યું કે મેઈલની સાથે ગણિતનું પેપર સામેલ હતું. અમે ત્યાર બાદ પોલીસને જાણ કરી અને કેસ દાખલ કરવામાં આવ્યો. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયમાં શાળાકીય શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે કહ્યું કે ૧.૩૯ વાગ્યે મેઈલ મોકલવામાં આવ્યો પરંતુ સવારના ૮.૫૫ ની આસપાસ મેઈલ ચેક કરવામાં આવ્યો ચકાસણી માટે પરીક્ષા નિયામકને પણ મોકલવામાં આવ્યો પરંતુ નિયમ પ્રમાણે ૯.૩૦ પહેલા પ્રશ્રપત્ર ખોલી શકાય તેવું નહોતું અમે ઉલટ તપાસ કરી ત્યાં સુધીમાં પેપર ચાલું થઈ ગયું હતું અને પરીક્ષા રદ કરવી અશક્ય બની હતી. અત્યાર સુધીમાં પોલીસે આ કિસ્સા સંબંધિત ૩૪ લોકોની પૂછપરછ કરી છે. પોલીસે સીબીએસઈ કન્ટ્રોલરનો પણ સંપર્ક સાધ્યો છે.