ભાવનગર, તા. ૯
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ દેશના બે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત દેશના અન્ય પ્રાદેશિક પક્ષો દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ થયો છે અને આ ધમધમાટ દેશભરમાં દેખાઈ રહ્યો છે. ત્યારે ભાવનગર લોકસભાની બેઠક માટે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત સંગઠન અંગેની ચર્ચાઓ કરવા તા. ૧૧ની સોમવારે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ભાવનગર આવી રહ્યા છે અને સાંજના ૪.૦૦ કલાકે શહેરના વાઘાવાડી રોડ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં કાર્યકર્તાઓ અને પાદાધિકારીઓને નિરીક્ષકો સાંભળશે.
શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેશ જોશીએ જણાવ્યું હતું કે, ભાવગનરના પ્રભારી અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર તેમજ કોંગ્રેસના જનમિત્ર સંપર્ક અભિયાનના કો-ઓર્ડિનેટર પ્રવિણ વાઘેલા સોમવારે સાંજે ૪.૦૦ વાગ્યે ભાવનગર આવી રહ્યા છે. આ બંને આગેવાનો સર્કિટ હાઉસ ખાતે શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કોર્પોરેટરો , યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ તેમજ વિવિધ સેલ-મોર્ચાના આગેવાનો અને પદાધિકારીઓને મળશે અને તેમને સાંભળશે.