શહેરા, તા.૧૭
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં પાનમ સંગઠનની ૪૦ જેટલી મહિલાઓએ બેકારી, વેતન સહિતની માગણીઓને લઈ બેનરો સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. ઉગ્ર માંગ સાથે તેઓ ત્રિકમ અને પાવડા લઈ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. પાનમ મહિલા સંગઠનની માંગ છે. તેમના સંગઠનના ૧૭ જેટલા ગામના ૨૧૦૦ જેટલા રોજગાર શ્રમિકોએ કામની અરજી કરેલ છે. શહેરા તાલૂકાના ૧૭ ગામના શ્રમિકોએ ગ્રામ પંચાયત અને તાલૂકા પંચાયતમાં આ મામલે રજૂઆત કરી હતી. છતા કોઈ નક્કર પરિણામ મળ્યુ નથી. હાલમાં કોરોનાની મહામારીમાં મનરેગાનો કાયદો શ્રમિકો માટે જીવાદોરી પુરવાર થઈ રહ્યો છે. વિવિધ ક્ષેત્રમાં મજૂરી કરતા લોકો કોરોના મહામારીને કારણે પરત આવ્યા છે. આ વર્ષે બધા ગામોમાં કામની માગણી વધી રહી છે. છતા આવા સમયે જોબકાર્ડ ઇસ્યુ ન થવા, કામની માગણી ન સ્વીકારવી, માગણી સ્વીકારી હોય તો તેની પહોચ ન આપવી, જેસીબી જેવા મશીનો દ્વારા કામ કરાવવું, કાયદાની જોગવાઈ મુજબ પીવાના પાણી તેમજ દવાના સહિતની વ્યવસ્થા નથી તો ઘણી જગ્યાઓ પર માસ્ક નથી હોવાની ફરિયાદો છે. વધુમા તેમની માંગણી છેકે વધતી જતી આર્થિક ભીસ, બેરોજગારી અને આર્થિક સંકટ સામે મનરેગાના કામના પ્રતિ શ્રમિક વાર્ષિક ૨૦૦ દિવસ આપવામા આવે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આયોજનને પ્રાથમિકતા અને તેમના દ્વારા નક્કી થયેલ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરીની પ્રકિયા ઝડપી બને તેવી અમારી માંગ સાથે તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.