(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૩
સને-૨૦૦૦ પછી આજદિન સુધી બી.પી.એલ.ની નવી યાદી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નથી. સને ૨૦૦૦ પહેલાની જુની યાદી જ હાલમાં ચાલે છે. જુના પ્રમાણે કુટુંબના સભ્યના માસિક રૂા.૫૦૧ પ્રમાણે ગણતરી થયેલ છે. આશરે ૧૭ વર્ષથી વધુ સમયથી કેન્દ્ર સરકાર તરફથી ગરીબી રેખા નીચે આવતા કુટુંબોનું સર્વે કરવામાં આવ્યું નથી. બી.પી.એલ. માં એસ.ટી. સમાજ, એસ.સી. સમાજ, અલ્પ સંખ્યક સમુદાય, વિધવા, ત્યકતા, સિનીયર સીટીઝન વિગેરેનો સમાવેશ કરવામાં આવે છે. નવી યાદી ન બનવાનાં કારણે ગરીબી રેખામાં આવતા કુટુંબો સરકારી યોજનાઓનાં લાભ લેવા માટે કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસ અને પુરવઠા શાખામાં ધરમના ધક્કા ખાય છે. યુ.સી.ડી. ઓફિસ તરફથી જાણવા મળ્યું છે કે, સને-૨૦૧૧ની વસ્તી ગણતરી આધારે નવી જાહેર કરવામાં આવશે. હજી સુધી કેન્દ્ર સરકારે બી.પી.એલ.ની નવી યાદી પ્રસિદ્ધ કરેલ નથી. બી.પી.એલ.માં આવતા કુટુંબોને ગુજરાત સરકારની તેમજ કેન્દ્ર સરકારની વેલ્ફેર યોજનાઓનો લાભ મળે છે. મા કાર્ડ દ્વારા કેન્સર, હાર્ટ, કિડની જેવા જીવલેણો રોગોમાં સરકારી સહાય આપવામાં આવે છે. વિધવા સહાય, વૃધ્ધા, અપંગ વિગેરે ગરીબોને સરકારી સહાય મળે છે. સરકારનાં વહિવટી તંત્રની બેદરકારીને લીધે બી.પી.એલ.માં આવતા કુટુંબોને અન્યાય થઇ રહ્યો છે. આ પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં આવતા ગરીબી રેખા નીચે આવતા કુટુંબોને સ્પર્શે છે અને કાયમી નિકાલ થવો ખુબજ જરૂરી છે.
અમારી માંગણી છે કે, હાલની મોંઘવારીને ધ્યાનમાં લઇને ગરીબી રેખા નીચે આવતા કુટુંબોની માસિક આવકમાં વધારો કરીને બી.પી.એલ. કુટુંબોની કેન્દ્ર સરકારે નવી યાદી તૈયાર કરીને નવી યાદી વહેલી તકે જાહેર કરવા તેમજ અમારી રજુઆત કેન્દ્ર સરકારમાં મોકલવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી ડીપાર્ટમેન્ટનાં વાઇસ ચેરમેન આઇ.ડી.પટેલ કલેકટરને પત્ર પાઠવી માંગણી કરી છે.