અમદાવાદ, તા.૩૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ૧૮ર ધારાસભ્યોએ ચૂંટણી દરમિયાન કરેલા ખર્ચ અંગે એડીઆર અને ગુજરાત ઈલેકશન વોચ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાં ૧૮ર ધારાસભ્યોએ સરેરાશ રૂા.૧૬.૪પ લાખ ખર્ચ કર્યો છે. જે ચૂંટણી ખર્ચની લિમિટના પ૯ ટકા જેટલા થાય છે. એટલે કે ૧૮ર ધારાસભ્યોનો ચૂંટણી ખર્ચ કુલ રૂા.૩૦ કરોડ જેટલો થાય છે. ધારાસભ્યોના ચૂંટણી ખર્ચના વિશ્લેષણ અંગે એડીઆર અને ગુજરાત ઈલેકશન વોચ વતી પંકિત જોગએ જણાવ્યું હતું કે ચૂંટણી ખર્ચમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી પ૪ ધારાસભ્યોએ ચૂંટણીખર્ચની લિમિટના પ૦ ટકા કરતા ઓછો ખર્ચ કર્યો છે. પાર્ટી પ્રમાણે જોવા જઈએ તો ભાજપના ૯૯ ધારાસભ્યોએ સરેરાશ રૂા.૧૭.૩૪ લાખનો ખર્ચ કર્યો છે. તો કોંગ્રેસના ૭૭ ધારાસભ્યોએ સરેરાશ રૂા.૧પ.૯૯ લાખનો ખર્ચ કર્યો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ રૂા.૧ર લાખ, એનસીપીના એક ધારાસભ્યનો ખર્ચ રૂા.પ.૭૪ લાખ અને ૩ અપક્ષ ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ રૂા.પ.૩૭ લાખ થયો છે. ચૂંટણીમાં ખર્ચ માટે ધારાસભ્યોને મળેલા ફંડમાં સરેરાશ જોવા જઈએ તો ધારાસભ્યોને ૬૭ ટકા ફંડ રાજકીય પાર્ટીઓ તરફથી મળ્યું છે. રર ટકા ફંડ ધારાસભ્યોએ પોતે કર્યું છે જ્યારે ૧૧ ટકા ફંડ અન્ય પાસેથી મળ્યું છે. ૪૬ ધારાસભ્યોએ એવું જાહેર કર્યું છે કે તેમણે કોઈ રાજકીય પક્ષ પાસેથી ફંડ મળ્યું નથી. તો ૧૧૬ ધારાસભ્યોએ જણાવ્યું છે કે તેમણે કોઈ અન્ય કંપની કે શુભેચ્છક પાસેથી ફંડ લીધું નથી. તો ૧૯ ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેમણે ચૂંટણીના પ્રચાર ખર્ચ માટે એક કાંણી પાઈ પણ ખર્ચી નથી. પક્ષ પ્રમાણે જોવા જઈએ તો ભાજપના પ૬ ટકા ધારાસભ્યો અને કોંગ્રેસના ૮૦ ટકા ધારાસભ્યોને ચૂંટણી ખર્ચ માટે રાજકીય પક્ષ તરફથી ફંડ મળ્યું હતું જ્યારે ભાજપના ૧૬ ટકા અને કોંગ્રેસના પાંચ ટકા ધારાસભ્યોએ તેમના ચૂંટણી ખર્ચ માટે કંપની કે અન્ય પાસેથી ફંડ લીધું છે.
ભાજપના બે ધારાસભ્યોએ મર્યાદા
કરતાં વધુ ચૂંટણી ખર્ચ કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચ માટે ઉમેદવારોને મહત્તમ રૂા.ર૮ લાખનો ખર્ચ કરવા સુધીની મર્યાદા હતી. પરંતુ ભાજપના બે ધારાસભ્યોએ ચૂંટણી ખર્ચની મર્યાદા કરતા વધુ ખર્ચ કર્યો છે. જેમાં હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રણજિતસિંહ ચાવડાએ ચૂંટણી ખર્ચ રૂા.૩૩,૭૮,૩૦૯ કર્યો છે જે ચૂંટણી ખર્ચની મર્યાદા કરતા રૂા.પ,૭૮,૩૦૯ ખર્ચ વધુ કર્યો છે. જ્યારે સંતરામપુરના ભાજપના ધારાસભ્ય ડિંડોર કુબેરભાઈ મનસુખભાઈએ રૂા.ર૮,૯પ,૭૬૬ ચૂંટણી ખર્ચ કર્યો છે. જે ચૂંટણી ખર્ચની મર્યાદા કરતા રૂા.૯પ,૭૬૬ વધુ છે એટલે ચૂંટણીમાં ખર્ચની મર્યાદા કરતા વધુ ખર્ચ કરનારા ભાજપના ધારાસભ્યો સામે કડક પગલાં લેવાય તો ૩ વર્ષ માટે બંને ધારાસભ્યોનું ધારાસભ્ય પદ અયોગ્ય ઠરી શકે છે.
Recent Comments