(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સુરત મનપાના હદ વિસ્તરણની આજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં ૧૮ ગામ, એક ફળિયું અને બે નગરપાલિકાને સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે જ સાંજે યોજાનાર સામાન્ય સભામાં દરખાસ્તને મંજૂર કરી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. સુરત પાલિકામાં ૨૨ ગામો અને ૨ નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી. ભાંઠા અને કામરેજમાં આ બાબતે વિરોધનો વંટોળ ઊભો થયો હતો. આ સંજોગોમાં સ્થાયી સમિતિએ ગત ૧૨મી ડિસેમ્બરના રોજ વિવાદના મધપૂડાને છંછેડ્યા વગર નિર્ણય મુલતવી રાખ્યો હતો. ત્યારબાદ ભાજપની મહાસંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ત્યારે પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો. દરમિયાન આજે સ્થાયી સમિતિની બેઠકમાં ૧૮ ગામ, એક ફળિયું અને બે નગરપાલિકાને સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે જ સાંજે યોજાનાર સામાન્ય સભામાં દરખાસ્તને મંજૂર કરી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. કામરેજ નજીક આવેલા નવાગામ, લસકાણા, ખોલવડ અને પાસોદરા આ ચાર ગામને પણ શહેરમાં સમાવવાને લઇ વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. ગત ૧૧મી ડિસેમ્બરના રોજ શહેર ભાજપ-જિલ્લા ભાજપ તથા જિલ્લા પંચાયતના આગેવાનોની શહેરમાં ૨૨ ગામો અને ૨ નગરપાલિકાને સમાવવા મુદ્દે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપરોકત ચારેય ગામને શહેરમાં સમાવવા અંગે વિરોધ કરાયો હતો. બેઠકમાં એવો સૂર ઊઠ્યો હતો કે, આ ચારેય ગામ પાલિકામાં લઇ લેવાય તો જિલ્લા પંચાયતનો મહત્ત્વનો વિસ્તાર નીકળી જાય એમ છે. પાલિકામાં સામેલ ૧૯ ગામડાની યાદી સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા-કોસાડ, પારડી-કણદે, સચિન (નગરપાલિકા), તલંગપુર, પાલી, કનસાડ (નગરપાલિકા), ઉંબર, કાંદી ફળિયા, ભાટપોર, ભાઠા, ઈચ્છાપોર, ભાટપોર, અસારમા, ભેસાણ, ઓખા, વણલકા, વિહેલ, ચીચીનો સુરતમાં સમાવેશને મંજૂરી અપાઈ છે, જ્યારે પ્રવેશદ્વાર સમાન પારડી-કણદે ગામનો પણ નથી, દરખાસ્તમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ઉબેર ગામનો પણ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.